લેન્સકાર્ટમાં તિલક-હિજાબ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, તો લાહોરમાં જઈને જ કંપની ખોલો ને!
મહારાષ્ટ્ર-MP અને છત્તીસગઢમાં પણ લેન્સકાર્ટ કંપનીનો ભારે વિરોધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
આઇવેર કંપની લેન્સકાર્ટના ડ્રેસ કોડને લઈને વિવાદ વધી ગયો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. છેલ્લા 4 દિવસથી હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકો દેશભરના લેન્સકાર્ટ સ્ટોરમાં જઈને કર્મચારીઓને તિલક લગાવી રહ્યા છે અને કલાવા બાંધી રહ્યા છે. આ દરમિયાન બાગેશ્ર્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કંપનીના પ્રમોટર્સને કહ્યું, ‘તુ અપની કંપની લાહૌર મેં ખોલ લે, ભારત મેં કાહે કો મર રહા હૈ? તેરે કાક્કા કા ભારત હૈ ક્યા? હા, હમારે તો બાપ કા ભારત હૈ.’
ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર કંપનીનું એક પોલિસી ડોક્યુમેન્ટ વાયરલ થયું હતું. તેમાં કર્મચારીઓને બિંદી, તિલક અને કલાવા પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, જ્યારે હિજાબ અને પાઘડીને કેટલીક શરતો સાથે મંજૂરી આપવામાં આવી હતી.
ભોપાલના ન્યૂ માર્કેટ રોશનપુરા સ્થિત લેન્સકાર્ટ સ્ટોરની બહાર હિંદુ ઉત્સવ સમિતિના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. કાર્યકરોએ કર્મચારીઓને તિલક લગાવ્યું. મંત્રોચ્ચાર સાથે કલાવો બાંધ્યો. આ દરમિયાન તેમણે નારા લગાવ્યા- સનાતન કા અપમાન, નહીં સહેગા હિંદુસ્તાન. હિંદુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારીએ કહ્યું કે આ હિંદુસ્તાન છે, અહીં તિલક, કલાવા અને બિંદીનું સન્માન થવું જોઈએ. જો કંપનીએ આના પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો, તો તેને બરદાસ્ત કરવામાં આવશે નહીં.
રાયપુરના લેન્સકાર્ટ શોરૂમમાં મંગળવારે એક ધાર્મિક સંગઠનના કેટલાક કાર્યકરો પહોંચ્યા. તેમણે કર્મચારીઓને તેમના નામ પૂછ્યા અને તેમને તિલક લગાવીને કામ કરવા કહ્યું. સાથે જ ગ્રાહકોને પોતાની ઓળખ જણાવવાની વાત પણ કહી.
આ પછી એક મહિલાએ પોતાના ચશ્ર્મા બતાવતા કહ્યું કે તે આ જ કંપનીના ચશ્ર્મા વાપરે છે, પરંતુ હવે તેને તોડીને ફેંકી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ગાઝિયાબાદના લોનીના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર મંગળવારે સાંજે પોતાના સમર્થકો સાથે લેન્સકાર્ટના શોરૂમ પહોંચ્યા. ત્યાં તેમણે કંપનીના ડ્રેસ કોડનો વિરોધ કર્યો અને કહ્યું કે ભારતમાં રહીને બિંદી અને કલાવા પહેરવા પર રોક લગાવવી ખોટી છે. કંપનીના માલિકની તપાસ થવી જોઈએ, તેના માતા કે પિતા મુસલમાન હશે.
મુંબઈના અંધેરીમાં 19 એપ્રિલે લેન્સકાર્ટ સ્ટોરમાં ભાજપના નેતા નાઝિયા ઇલાહી ખાન (નાઝિયા સનાતની)એ લેન્સકાર્ટ સ્ટોરમાં ઘૂસીને હોબાળો કર્યો. તેમણે સ્ટોરના મુસ્લિમ મેનેજર સાથે ડ્રેસ પોલિસીને લઈને દલીલ કરી, તેના પર શરિયા લાગુ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે હિંદુ કર્મચારીઓને તિલક લગાવ્યું.



