ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
આગામી મહાશિવરાત્રી મેળાના પવિત્ર અવસરને ધ્યાને રાખીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેળા દરમિયાન શહેરના વાતાવરણની શુદ્ધિ અને ધાર્મિક આસ્થા જાળવવા માટે આગામી રવિવારે સમગ્ર શહેરી વિસ્તારમાં નોનવેજનું વેચાણ બંધ રહેશે. મહાનગરપાલિકાનો કડક આદેશ કર્યો છે કે, તા. 15/02/2026, રવિવારના રોજ સમગ્ર જૂનાગઢ શહેરમાં મટન અને ફિશ માર્કેટ સંપૂર્ણપણે બંધ રહેશે. આ આદેશ હેઠળ તમામ નોનવેજની દુકાનો, મટન માર્કેટ, ફિશ માર્કેટ, મીટ શોપ, પોલ્ટ્રી શોપ તથા માછલી વેચતા લારી-ગલ્લાઓનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ’ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ’ની કલમ 46(1)(ડી) હેઠળ આ સ્થાયી હુકમ જારી કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની અખબારી યાદીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તમામ મીટશોપ ધારકોએ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કોઈ પણ વેપારી આ આદેશનો ભંગ કરતા જણાશે, તો મહાનગરપાલિકા દ્વારા તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



