ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોગ-ઉંન અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન વચ્ચે આજે (બુધવારે) મંત્રણા યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને સાથ આપવા નિર્ણય લીધો હતો. કીમ-જોંગ- ઉને રશિયા યુક્રેન યુદ્ધનું તો નામ પણ લીધું ન હતું પરંતુ કહ્યું હતું કે, પશ્ર્ચિમ સામેના યુદ્ધમાં અમે આપની સાથે છીએ. બીજી તરફ પુતિને ઉ. કોરિયાને ભરોસો આપ્યો હતો કે, સેટેલાઇટ લોન્ચ કરવામાં અમે તમોને પૂરો સાથ આપીશું.પત્રકારોએ જ્યારે પુતિનને પૂછ્યું કે, તમો કઈ રીતે ઉત્તર કોરિયાને સહાય કરશો ? ત્યારે પુતિને કહ્યું કે, ’અમે દરેક પ્રકારે સહાય કરવા તૈયાર જ છીએ.’ઉત્તર કોરિયા પાસેથી શસ્ત્રો ખરીદવા અંગે સહમતિ થઈ ગઈ છે ? તેવા પ્રશ્ર્નના જવાબમાં પુતિને કહ્યું હતું કે, ’અમે દરેક બાબતો અંગે ચર્ચા કરીશું જ.’ ઉલ્લેખનીય છે કે, બંને નેતાઓની મુલાકાત રશિયાની ’સ્પેસ એજન્સી’ના એક સ્થળે યોજાઈ રહી છે. જો કે, સ્થળનું નામ જાહેર કરાયું નથી. ઉત્તર કોરિયાને સેટેલાઇટ લોન્ચ કરવામાં રશિયા સહાય કરશે ? તેવા પ્રશ્ર્નના ઉત્તરમાં પુતિને કહ્યું ’તે માટે તો અમે અહીં આવ્યા છીએ.’
પુતિને વધુમાં કહ્યું કે, ઉ. કોરિયાના નેતાઓ રોકેટ એન્જિનિયરિંગમાં ઘણો રસ દર્શાવ્યો હતો. તેઓ પણ સ્પેસમાં ઉ. કોરિયાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. જ્યારે ઉને કહ્યું હતું કે, ’અમારા માટે તે ગર્વની વાત છે કે પ્રમુખ પુતિને અમને સ્પેસ બાબતમાં મદદ કરવાની વાત કરી છે.’કીમે આ સાથે વધુમાં કહ્યું હતું કે, અમે આપના પવિત્ર યુદ્ધમાં આપની સાથે છીએ. આપ તે તાકાતો સામે લડી રહ્યા છો કે જેઓ માત્ર પોતાનું જ વર્ચસ્વ આ દુનિયા ઉપર રહે તેમ ઇચ્છે છે. સાથે વધુમાં કહ્યું કે, અમે વ્લાદીમીર પુતિન અને રશિયાના નેતૃત્વ નીચેના તમામ નિર્ણયોનું સન્માન કરીએ છીએ. અમે સામ્રાજ્યવાદ સામેના યુદ્ધમાં આપની સાથે છીએ.