જામનગર શહેરના સરુ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડકવાર્ટરમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યા આસપાસ પોલીસને ખબર પડી હતી કે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરતભાઈ માવજીભાઈ જાદવ અને તેના પત્ની જાગૃતીબેને ગળેફાંસો ખાઇ લીધો છે. જેથી ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ ઘટના સ્થળે દોડી હતી. ઘટના સ્થળે પહોંચતા જ પોલીસ હેડ કવાટર્સના 31નંબરના બ્લોકમાં પોતાના રહેણાક મકાનમાં જ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ અને તેના પત્ની જાગૃતિબેનના મૃતદેહ મળી આવ્યા હતા.

આ દરમિયાન માતાના નિષ્પ્રાણ દેહ પાસે 3 થી 4 મહિનાનું તેમનું બાળક રમતું મળી આવ્યું હતું. હૃદય કંપાવનાર આ દ્રશ્ય જોઈ સૌ કોઈ અવાક બની ગયા હતા.
ગઇકાલે તા.17 ઓગસ્ટ 2020ના રોજ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ પરથી બપોરે કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ હેડક્વાર્ટર પોતાના ઘરે ગયા હતા. બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં પોલીસમેન ભરતભાઇ અને તેના પત્નિ જાગૃતિબેને આપઘાત કરી લીધો હતો. ભરતભાઈએ મૃત્યુ પહેલા પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર છેલ્લે 3.56 કલાકે હિન્દી ગીત સાથેનું સ્ટેટ્સ પણ મૂક્યું હતું.