સામાન્ય રીતે ઓછો વરસાદ ધરાવતા કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક ભારે વરસાદ થયો હતો. લખપતમાં અનરાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં જોરદાર મેઘસવારી હતી. કચ્છનાં લખપતમાં આભ ફાટ્યું હોય તેમ 11 ઇંચ વરસાદ નોંધાયો હતો.
મહત્વની વાત એ છે કે સિઝનનો 100 ટકા વરસાદ થઇ ગયો હોય તેવો પ્રસંગ તાલુકો બન્યો હતો. અત્યાર સુધીમાં 438 મીમી પાણી વરસી ગયું છે. સામાન્ય રીતે સિઝનમાં 366 મીમી વરસાદ થતો હોય છે. આ સિવાય નખત્રાણામાં 7 ઇંચ, મુંદ્રામાં સાડા ત્રણ ઇંચ તથા અબડાસામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગાંધીધામમાં 2 ઇંચ પાણી વરસ્યું હતું. દક્ષિણ ગુજરાતનાં અર્ધો ડઝન જિલ્લાઓમાં મુશળધાર મેઘસવારી હતી. વલસાડનાં કપરાડામાં 9 ઇંચ ખાબકતા નિચાણવાળા ભાગો જળબંબાકાર બન્યા હતા અને મકાનો-દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ધરમપુરમાં 8 ઇંચ, વાપીમાં 3.50 ઇંચ તથા પારડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.
- Advertisement -
ડાંગમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો હતો. વઘઇમાં 5 તથા આહવામાં 3.50 ઇંચ વરસાદ થયો હતો. નવસારીનાં વાસદામાં 7.50 ઇંચ, ચીખલીમાં 6 ઇંચ, ખેરગામમાં 5 ઇંચ, ગણદેવીમાં 3.50 ઇંચ, નવસારી શહેરમાં 4 ઇંચ તથા જલાલપોરમાં 3 ઇંચ પાણી વરસ્યું હતું. સુરત જિલ્લામાં પણ બારે મેઘ ખાંગા થયા હોય તેમ મહુવામાં 6.50 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બારડોલીમાં 4.50 ઇંચ, માંડવીમાં 4 ઇંચ, પલાસણામાં 4 ઇંચ પાણી વરસ્યું હતું. ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં ધોધમાર 4 ઇંચ વરસાદથી માર્ગો સરોવર બન્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત અને તાપી જિલ્લા જળબંબાકાર : કપરાડામાં 9, ધરમપુરમાં 8, વ્યારામાં આઠ, વાંસદામાં 7.5 ઇંચ
તાપી જિલ્લાનાં વ્યારામાં 8 ઇંચ, ડોલવાનમાં 6.50 ઇંચ તથા વાલોદમાં 6 અને નિઝરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારામાં 4 ઇંચ પાણી વરસ્યું હતું.ઉતર તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, છોટાઉદેપુર તથા પંચમહાલમાં સારો વરસાદ હતો. અન્યત્ર જોર ઓછું હતું. છોટા ઉદેપુરમાં 4 ઇંચ, જેતપુર પાવીમાં 4 ઇંચ તથા સરખેડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. પંચમહાલના હાલોલમાં 4 ઇંચ તથા શહેરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર ગુજરાતમાં તમામ 33 જિલ્લાનાં 215 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આ સાથે રાજ્યમાં સરેરાશ 235.44 મીમી પાણી વરસી ગયું છે અને સિઝનનો 27.69 ટકા વરસાદ થઇ ગયો છે.
- Advertisement -