અમદાવાદ: રાજ્યમાં (Gujarat) અત્યાર સુધીમાં સિઝનનો 34.60 % વરસાદ (Rainfall in Gujarat) વરસ્યો છે. 28 જિલ્લાના 122 તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યમાં 24 કલાક દરમિયાન સવાથી અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે વરસાદનું (Monsoon) જોર ઘટ્યું છે. 24 કલાકમાં ડોલવણ અને બારડોલીમાં 29 મિમી વરસાદ, સાપુતારામાં 1 ઇંચ, આહવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 જુલાઇ સુધી ભારેથી અતિ ભારેની વરસાદીની આગાહી છે.

રાજ્યભરમાં વરસાદી માહોલમાં મંગળવારે દિવસ દરમિયાન વરસાદે વિરામ લીધા બાદ રાત્રે હળવો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન કાળાંડિબાંગ વાદળો વચ્ચે પણ વરસાદ વરસ્યો ન હતો પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા 30મી જુલાઇ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
આગાહીની વિસ્તૃતમાં વાત કરીએ તો, આહવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 30 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં હતા. રાજ્યભરમાં સારો વરસાદ થતા ઉભા કૃષિ પાકોને જીવતદાન મળેલ છે. હજુ પણ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 30 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વરસાદી વહન સક્રિય થતા તેની અસર મધ્યપ્રદેશમાં થતા ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં મધ્યપ્રદેશમાં થતા ભારે વરસાદના લીધે નર્મદા નદીનું જળસ્તર વધે. દક્ષિણ ગુજરાતમાં પણ તાપી નદીનું જળસ્તર વધે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં 5થી 8 ઓગસ્ટ સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.