છોટા શકિલની ગેંગ ગુજરાતમાં ફરી સક્રિય થઇ હોવાના સંકેત : પોલીસ શાર્પ શૂટરો વચ્ચે અમદાવાદમાં ફાયરિંગ: ગુજરાત પોલીસને મોટી સફળતા

2002માં ગુજરાત રમખાણોનો બદલો લેવા આવ્યા હોવાની ચર્ચા : હજુ શાર્પ શૂટરો હોવાની શંકા, ભાગી ગયેલા એક શખ્સને ઝડપી લેવા ટીમ બનાવાઇ

ગુજરાતમાં છોટા શકિલની ગેંગ દ્વારા ઝડફીયા ઉપરાંત ભાજપના અન્ય નેતાઓની હત્યાનો પ્લાન બહાર આવી રહ્યો છે ત્યારે પોલીસને મોટી સફળતા મળી છે.
ગુજરાતમાં અંડરવર્લ્ડને લગતી એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એટીએસની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યો છે. ગત રાત્રિએ વિનસ હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા એટીએસની ટીમે ત્યાં રેઈડ કરી હતી.
એટીએસની ટીમે ઈરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઈના શાર્પશૂટરને ઝડપી લીધો હતો, જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. આ શાર્પશૂટર ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું મનાય છે.
બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શાર્પશૂટરો 2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા. જો કે, આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયા હતા. જો કે, આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરી સક્રિય હોવાનું જાણવા મળ્યું છે.

જ્યાં ઘટના બની તે રૂમ અને પલંગ

એટીએસના વડા હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે, છોટા શકીલ ગેંગના 2 શાર્પશૂટર વિનસ હોટલમાં છુપાયા હોવાની બાતમીના આધારે ગત રાત્રિએ 3 વાગ્યાની આસપાસ રિલિફ રોડ પરની હોટલ વિનસ પર રેઈડ કરી હતી. ત્યાંથી એક શાર્પશૂટરને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાગી ગયો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી 2 પિસ્ટલ મળી આવી છે. ઘણા સમયથી ભાજપના નેતાઓ અંડરવર્લ્ડની ગેંગના ટાર્ગેટમાં હતા અને આ ધરપકડથી મોટી સફળતા મળી છે.
ફાયરિંગ છોટા શકીલના શાર્પશૂટરે કર્યું હતું જેમાં પીએસઆઈ નમી જતા બચી ગયા હતા. જ્યારે ગોળી દિવાલમાં ઘૂસી ગઈ હતી. પળવારમાં જ એટીએસના પીએસઆઇ આરોપી પર કૂદી ગયા હતા અને તેને દબોચી લીધો હતો. આરોપી સાથે અમદાવાદના કેટલાક લોકો સંપર્કમાં હોવાની એટીએસને શંકા છે.