મંત્ર-જાપ અથવા નામ સ્મરણ માટે આપણે માળાનો આશ્રય લઈએ છીએ. માળાના મણકા ફેરવવાની આપણને આદત થઈ ગઈ છે. એમાં કંઈ ખોટું પણ નથી, પરંતુ મંત્ર રટતી વખતે આપણું ધ્યાન આપણી આંગળીઓ મણકાને ફેરવે છે એ દિશામાં થોડું વહેંચાઈ જાય છે. વધુમાં કેટલાં મણકા ફેરવ્યાં? કેટલી માળા થઈ? આ બધાની ગણતરી સમાંતરે ચાલતી રહેતી હોય છે.
સૌથી અસરદાર માળા તો ઈશ્વરે આપણા દેહની અંદર મૂકી છે. જે ક્યારેય અટકતી નથી, અવિરત ચાલતી રહે છે. તુલસીની કે રુદ્રાક્ષની માળા તો આપણે જ્યારે મંત્ર-જાપ પુરો કરીને ખાનામાં મૂકી દઈએ છીએ અથવા ખીંટીએ લટકાવી દઈએ છીએ ત્યારે નિષ્ક્રિય બની જાય છે, એટલે કે માળા પોતાની જાતે એના મણકા ફેરવતી નથી, પરંતુ ઈશ્વરે આપણી અંદર શ્વાસની માળા મૂકી છે. એ આપણા શ્વાસની સાથે ફરવાની ચાલુ થાય છે અને મૃત્યુની ક્ષણ સુધી ચાલતી રહે છે.
શ્વાસ અંદર લેવો અને બહાર છોડવો એ માળાના મણકા ફેરવવા સમાન છે. આપણે ઊંઘતા હોઇએ ત્યારે પણ એ માળા અવિરત ફરતી રહે છે, માત્ર આપણે એ દરેક શ્વાસ અને ઉચ્છ્વાસની સાથે મંત્ર જાપ કરવાનું યાદ રાખતા નથી. શક્ય હોય ત્યાં સુધી આપણી ભીતરની માળાને મંત્ર જાપ સાથે જોડી દઈશું તો એટલા શ્વાસો પક્વ થયા ગણાશે.
આપણે ઘટમાળ શબ્દ જુદા અર્થમાં વાપરીએ છીએ. જિંદગીની આ ઘટમાળ એટલે રોજેરોજ આવતી અને વિદાય લેતી ઘટનાઓનું ચક્ર. સાચો અર્થ એવો કાઢી શકાય કે આપણા ઘટમાં એટલે કે આપણા દેહમાં ઈશ્વરે મુકેલી માળા એ જ ઘટમાળ છે. આ ઘટમાળનો સાચો અર્થ જો આપણે સમજીશું તો આપણને બહારની માળાની જરૂર નહીં રહે. જ્યાં સુધી સાધક આ સ્તર સુધી ન પહોંચે ત્યાં સુધી એ રુદ્રાક્ષની માળાનો સહારો લઈ શકે છે.