ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના જુદા જુદા 13 થી વધુ ગામોમાંથી પસાર થતી ગોરખપુર-કંડલા એલપીજી ગેસ પાઇપલાઇનમાં વળતરમાં ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે આજે ખેડૂતોએ મામલતદાર કચેરીમાં તેમજ પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું જેમાં ખેડૂતોએ યોગ્ય વળતર ચૂકવવા કંપની પાસે માંગ કરી હતી.
અન્યથા પાઇપલાઇનનો વધુ રણનીતિ બનાવી વિરોધ કરવામાં આવશે. હળવદ મામલતદાર કચેરી ખાતે આજે જુના દેવળીયા, પ્રતાપગઢ, ધનાળા, મયુરનગર, રાયસંગપુર, હળવદ, નવા ઘનશ્યામગઢ, જુના અમરાપર, નવા અમરાપર, ઈશનપુર, માલણિયાદ, ઘણાદ અને રણમલપુર ગામના ખેડૂતોએ જય જવાન જય કિશાનના નારા સાથે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે, કંડલાથી ગોરખપુર જતી એલપીજી પાઇપલાઇનની આઇએચબી કંપનીએ જે કામગીરી કરી છે જેનો ખેડૂતોએ વિરોધ કર્યો છે.
- Advertisement -
ઉપરાંત ખેડૂતોએ જણાવ્યું હતું કે, જંત્રી મુજબનો ભાવ આપવામાં આવે અને એક જ સર્વે નંબરવાળી જમીનમાં 2013, 1003 અને 20 રૂપિયા અલગ અલગ ભાવ આપવામાં આવે છે જેથી આ ભાવ અમને મંજૂર નથી જેથી કરીને સરકાર દ્વારા ખેડૂતોની જમીનમાંથી અલગ અલગ ગામોમાંથી પસાર થતી પાઇપલાઇનનું ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. અન્યથા ખેડૂતો આગામી દિવસોમાં નિર્ણાયક લડાઇ લડી લેવાના મૂડમાં હોવાનું
જાણાવ્યું હતું.