પાંચ પેલેસ્ટાઈન નાગરિકોના મોત બાદ વધ્યો તણાવ
ખાસ-ખબર સંવાદદાતા
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ફરી એક વખત તણાવ વધી ચુકયો છે અને તેમાં બંને પક્ષના લોકો જીવ ગુમાવી રહ્યા છે.ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મત્રાલયનુ કહેવુ છે કે, ઈઝરાયેલ ગાઝા બોર્ડર પર થયેલા વિસ્ફોટમાં પેલેસ્ટાઈનના પાંચ નાગરિકોના મોત થયા છે. આ વિસ્ફોટ થયો ત્યારે પેલેસ્ટાઈનના નાગરિકો દેખાવો કરી રહ્યા હતા. વિસ્ફોટમાં બીજા 25 લોકો ઇજાગ્રસ્થ થયા હતા.
ઈઝરાયેલનુ કહેવુ છે કે, આ વિસ્ફોટકો પહેલેથી ઈઝરાયેલ પર હુમલો કરવા માટે તૈયાર રખાયા હતા પણ પેલેસ્ટાઈનના લોકોના દેખાવો સમયે તેમાં વિસ્ફોટ થયો હતો. બીજી તરફ પેલેસ્ટાઈનના સુરક્ષા સૂત્રોના કહેવા પ્રમાણે વિસ્ફોટ પહેલા બોર્ડર ફેન્સિંગ પર દેખાવકારો અને ઈઝરાયેલી સૈનિકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ અને ઈઝરાયેલના સૈનિકોએ ફાયરિંગ પણ કર્યુ હતુ.
ઈઝરાયેલના મીડિયાના કહેવા અનુસાર પેલેસ્ટાઈન તરફથી ફેંકાયેલા બોમ્બ બાદ ઈઝરાયેલે ગોળીબાર કર્યો હતો. ઈઝરાયેલે બ્લાસ્ટની ઘટનામાં પોતાનો હાથ હોવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યુ હતુ કે, શક્ય છે કે, આ વિસ્ફોટકો ઈઝરાયેલ તરફ ફેંકવાના પ્રયાસ દરમિયાન ડિટોનેટ થયા હશે.