ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢના મેઘાણીનગરમાં ક્લિનીક ધરાવતા એક તબીબ વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકીએ આવી તબીબ સાથે બોલાચાલી કરી ખૂની હુમલો કરી નાસી ગયો હતો. ત્યાર બાદ આ શખ્સ ફરાર હતો. આ શખ્સ જેતપુર તરફથી સાબલપુર ચોકડી ખાતે રોકાવા આવવાનો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે જયેશ ઉર્ફે જવાને પકડી લઇ એ-ડીવીઝનના હવાલે કર્યો હતો. આ શખ્સ સામે એ-ડીવીઝનમાં 9 ગુના નોંધાયા છે.
શહેરમાં ભાટીયા ધર્મશાળા રોડ પર આવેલ સાબરીન મસ્જિદ પાસે રહેતા અને મેઘાણીનગરમાં ક્લિનિક ધરાવતા ખાનગી તબીબ રસીદભાઇ કરીમભાઇ વાંચેસા ઘરેથી ઇલેકિટ્રીક મોપેડ પર પોતાની ક્લિનીક પર ગયા હતા અને એક દર્દીને સારવાર આપી પોરબંદર જવાનું હોય તેથી ડો.વાંચેસા મોપેડ લઇને વિવેકાનંદ ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા ત્યારે સામેથી ડાર્ક કોફી કલરની કારથી આંતરી મોપેડ સાથે અથડાતા રસીદભાઇ પડી ગયા હતા અને કારમાંથી ખાડીયા વિસ્તારમાં રહેતા સાવન ઉર્ફે જવો બાવજીભાઇ સોલંકી અને અન્ય 3 શખ્સો ઉતરી તલવાર, પાઇપ અને લાકડી વડે ખૂની હુમલો કરી તબીબના ખિસ્સામાંથી 15 હજારનો મોબાઇલ અને 9હજારની રોકડની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ ખૂખની કોશિષના ગુનામાં છેલ્લા 50 દિવસથી આરોપી નાસતો ફરતો હતો જેને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇને એ-ડીવીઝનને સુપ્રત કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.