10 મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે આપીને લોકશાહીના અવસરને દીપાવીએ – કલેકટર
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.9
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાં જે વિસ્તારમાં પુરુષો અને મહિલાઓના મતદાનની ટકાવારીમાં 10% થી વધુ તફાવત હોય તેવા સ્થળોએ મતદાર જાગૃતિ કામગીરી અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી ’અવસર રથ’ ફેરવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત પ્રભાસોત્સવ-24ના કાર્યક્રમમાં સાંજે સહભાગી થવા આવેલા કલેકટરએ આ ’અવસર રથ’નું રામ મંદિર પ્રાંગણમાં નિરીક્ષણ કર્યું હતું.જિલ્લા ચૂંટણી અધિકારીએ 10 મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે આપીને લોકશાહીના અવસરને દીપાવવા માટે અપીલ કરતાં જણાવ્યું હતું કે, નારી શક્તિ પણ લોકશાહીના આ અવસર નિમિત્તે બહાર આવી મતદાન કરે.
તેમણે જણાવ્યું હતું કે, લોકોમાં મતદાન જાગૃતિ માટે ’અવસર રથ’ જિલ્લાના વિવિધ ગામોમાં ફરીને મતદાન અંગેની જાગૃતિ ફેલાવશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાનો એક આ વધુ પ્રયાસ છે.ઉલ્લેખનીય છે કે, ’અવસર રથ’માં સાઉન્ડ સિસ્ટમ સાથે મતદાન જાગૃતિ માટે વિવિધ સ્લોગન, જોડકણાં સાથેની સંગીતમય પ્રસ્તુતિ દ્વારા લોક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ સાથે, પ્રભાસોત્સવ કાર્યક્રમમાં સહભાગી થવા આવેલા કલાકારો દ્વારા લોકોને મતદાર જાગૃતિ માટેનો સંદેશો લોક નૃત્યના માધ્યમથી આપવામાં આવ્યો હતો.