શંખિની અને ડંકિની નદીઓના સંગમ પર સ્થિત દંતેશ્વરી દેવીને બસ્તર ક્ષેત્રના કુળદેવીનો દરજ્જો પ્રાપ્ત છે, જેની એક ખાસિયત એ છે, કે અહીં માતાના દર્શન કરવા માટે દર્શનાર્થીએ લુંગી અથવા ધોતી પહેરીને જ ગર્ભગૃહમાં જવું પડે. મંદિરમાં સિલાઈવાળા કપડાં પહેરીને જવા પર પ્રતિબંધ છે!
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
માતાના શકિતપીઠો દેશદેશાવરમાં વિવિધ સ્થળો પર આવેલા છે, જ્યાં માતા એમના અલગ અલગ સ્વરૂપે બિરાજમાન છે. છત્તીસગઢના બસ્તર ક્ષેત્રની સુંદર વાદીઓમાં દંતેવાડાનું પ્રસિદ્ધ ‘દંતેશ્વરી મંદિર’ સ્થિત છે. દેવી મહાપુરાણ (શ્રી દેવીભાગવત)માં શક્તિપીઠોની કુલ સંખ્યા 51 કહેવામાં આવી છે, જયારે તંત્રચુડામણીમાં કુલ 52 શક્તિપીઠનો ઉલ્લેખ છે. કેટલાક ગ્રંથોમાં તો શક્તિપીઠની સંખ્યા 108 સુધીની પણ દર્શાવવામાં આવી છે. જો કે, દંતેવાડાનો સમાવેશ દેવી પુરાણના 51 શક્તિ પીઠોમાં સમાવેશ કરવામાં આવેલ નથી, આમ છતાં તેને દેવીનું બાવનમું શક્તિપીઠ માનવામાં આવે છે. માન્યતા છે કે આ જગ્યા પર સતીનો દાંત પડ્યો હતો, તેથી આ સ્થાનનું નામ દંતેવાડા અને માતાનું નામ દંતેશ્વરી દેવી પડયું! શંખિની અને ડંકિની નદીઓના સંગમ પર સ્થિત દંતેશ્વરી દેવીને બસ્તર ક્ષેત્રના કુળદેવીનો દરજ્જો પ્રાપ્ત છે, જેની એક ખાસિયત એ છે, કે અહીં માતાના દર્શન કરવા માટે દર્શનાર્થીએ લુંગી અથવા ધોતી પહેરીને જ ગર્ભગૃહમાં જવું પડે. મંદિરમાં સિલાઈવાળા કપડાં પહેરીને જવા પર પ્રતિબંધ છે! બસ્તરની પહેલા કાકાતિયા રાજા ‘અન્નમ દેવ’ વારંગલથી અહીં આવ્યા હતા. એમને દંતેશ્વરી માતાનું વરદાન મળ્યું હતું. કહેવાય છે કે અન્નમ દેવને માતાએ એવું વરદાન આપ્યું હતું કે એ જ્યાં સુધી ચાલતા જશે, ત્યાં સુધી એમનું શાસન ફેલાશે! શરત એ કે રાજાએ પાછળની તરફ ફરીને નહીં જોવાનું! આ રીતે માતા એમની પાછળ પાછળ જ્યાં સુધી જતા, એટલી જમીન પર એમનું શાસન સ્થાપિત થતું જતું હતું. અન્નમ દેવના ઉભા રહેવાની સાથે જ માતાજી પણ ઉભા રહી જવાના હતા.
- Advertisement -
દંતેવાડામાં માતા દંતેશ્વરીની છ કરકમળો ધરાવતી કાળા ગ્રેનાઈટની એક અનન્ય પ્રતિમા છે. છ હાથમાંથી જમણી બાજુના ત્રણ હાથમાં શંખ, ખડગ, ત્રિશુળ અને ડાબી બાજુના ત્રણ હાથમાં ઘંટી, શ્ર્લોક અને રાક્ષસના કેશ માતાજીએ ધારણ કરેલા છે
32 પથ્થરના સ્તંભો અને નળિયાની છતથી બનેલો મહામંડપ મંદિરના મુખ્ય આકર્ષણ
અન્નમ દેવે ચાલવાની શરૂઆત કરી અને એ કેટલાય દિવસ અને રાત સતત ચાલતા રહ્યા. એ ચાલતા ચાલતા શંખિની અને ડંકિની નદીઓના સંગમ પર પહોંચ્યા. અહીં એમણે નદી પાર કરી. નદી પાર કર્યા બાદ આગળ જતા માતાની પાયલ (ઝાંઝર)નો અવાજ એમણે ન અનુભવ્યો. રાજા ત્યાં જ ઉભા રહી ગયા અને માતાજી પણ ઉભા રહી ગયા છે એવા ભ્રમમાં એમણે પાછળ ફરીને જોયું. માતા ત્યારે નદી પાર કરી રહ્યા હતા. હકીકતમાં નદીના પાણીમાં માતાના પગ ડૂબેલા હતા, જેથી પગમાં બાંધેલા ઝાંઝરનો અવાજ નહોતો આવતો, આથી રાજાના મનમાં ભ્રમ પેદા થયો હતો. રાજાના ઉભા રહેવાથી માતાજી પણ ઉભા રહી ગયા અને એમણે આગળ જવાની ના પાડી દીધી.
વચન પ્રમાણે, માતા માટે રાજાએ શંખિની અને ડંકિની નદીના સંગમ પર એક સુંદર મંદિર બનાવી આપ્યું, ત્યારથી માતાજી અહીં બિરાજમાન છે. નદીઓના સંગમ પર મા દંતેશ્વરીના પદચિહ્નો જોવા મળે છે! શ્રદ્ધાળુઓનું એવું માનવું છે કે અહીં સાચા મનથી કરવામાં આવેલી મનોકામના જરૂરથી પરિપૂર્ણ થાય છે.
- Advertisement -
દંતેવાડામાં માતા દંતેશ્વરીની છ કરકમળો ધરાવતી કાળા ગ્રેનાઈટની એક અનન્ય પ્રતિમા છે. છ હાથમાંથી જમણી બાજુના ત્રણ હાથમાં શંખ, ખડગ, ત્રિશુળ અને ડાબી બાજુના ત્રણ હાથમાં ઘંટી, શ્લોક અને રાક્ષસના કેશ માતાજીએ ધારણ કરેલા છે. આ પ્રતિમા સુંદર કોતરણીકામથી સુશોભિત છે અને ઉપરના ભાગમાં નરસિંહ અવતારનું સ્વરૂપ દર્શનીય છે! માતાજીના મસ્તકની ઉપર છત્ર છે, જે ચાંદીનું બનેલું છે. એમની મૂર્તિ કપડાં અને અલંકારોથી સજ્જ છે. દ્વાર પર બંને બાજુ એક-એક દ્વારપાળ ઉભા છે. ડાબા હાથમાં સાપ અને જમણા હાથમાં ગદા લઈને બે દ્વારપાળ વરદ્ મુદ્રામાં ઊભા છે. 21 સ્તંભોથી બનેલા દ્વારની પૂર્વ દિશામાં બે સિંહ બિરાજમાન છે, જે કાળા પથ્થરોથી નિર્મિત છે. અહીં ભગવાન ગણેશ, વિષ્ણુ, શિવ વગેરે દેવોની પ્રતિમાઓ વિવિધ સ્થળો પર સ્થિત છે. મંદિરના મુખ્ય દ્વારની સામે પર્વતીય ગરુડસ્તંભ જોવા મળે છે. 32 પથ્થરના સ્તંભો અને નળિયાની છતથી બનેલો મહામંડપ મંદિરના મુખ્ય આકર્ષણો ગણી શકાય.
વાસ્તુકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમા મા દંતેશ્વરીના મંદિર પાસે જ એમની નાની બહેન મા ભુવનેશ્વરીનું મંદિર છે. મા ભુવનેશ્વરીને માવલી માતા તથા માણિકેશ્વરી દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે. મા ભુવનેશ્વરી દેવી આંધ્રપ્રદેશમાં માતા પેદામ્માના નામથી પણ પ્રસિદ્ધ છે અને લાખો શ્રધ્ધાળુઓ એમના ભક્ત છે. નાની માતા ભુવનેશ્વરી દેવી અને માતા દંતેશ્વરીની આરતી એક સાથે કરવામાં આવે છે અને એક જ સમય પર પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે. લગભગ ચાર ફૂટ ઉંચી અને આઠ ભુજાઓ ધરાવતી ભુવનેશ્વરી માતાની પ્રતિમા અનન્ય છે. મંદિરના ગર્ભગૃહમાં નવ ગ્રહોની પ્રતિમા સ્થિત છે. ત્યાં જ ભગવાન વિષ્ણુનો નરસિંહ અવતાર, માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પ્રતિમાઓ આવેલી છે. કહેવાય છે કે માણિકેશ્વરી મંદિરનું નિર્માણ દસમી સદીમાં કરવામાં આવ્યું હતું!
હોળીથી દસ દિવસ પહેલા અહીં ફાગણ મડઈનું આયોજન થાય છે, જેમાં આદિવાસી સંસ્કૃતિનો વિશ્વાસ અને એમની પરંપરાનું પ્રતિબિંબ દેખાય છે. નવ દિવસ સુધી ચાલનારા ફાગણ મડઈમાં આદિવાસી સંસ્કૃતિની વિવિધ વિધિઓનું પાલન થાય છે. લગભગ 250થી પણ વધારે દેવી દેવતાઓની સાથે માતા દરરોજ નગરભ્રમણ કરી નારાયણ મંદિર સુધીની યાત્રા ખેડે છે અને ત્યાંથી ફરી મૂળસ્થાને પરત ફરે છે. આ સમય દરમિયાન નૃત્યમંડળની વિધિ થાય છે, જેમા બંજારા સમુદાય દ્વારા ભજવવામાં આવતા ‘લમાન’ નૃત્યની સાથે ભત્રી નૃત્ય અને ફાગ ગીત પણ મુખ્ય આકર્ષણો છે. મડઈના છેલ્લા દિવસે સામૂહિક નૃત્યમાં લાખો યુવક યુવતીઓ જોડાય છે અને આખી રાત નૃત્યનો આનંદ લે છે. ફાગણ મડઈમાં દંતેશ્વરી મંદિરમાં બસ્તર અંચલના લાખો લોકોની ભાગીદારી હોય છે.