બાંગ્લાદેશમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દર વર્ષે ગુજરાતમાં આવેલ અનેક યુનિવર્સિટીઓમાં વિદેશથી અનેક વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બાંગ્લાદેશનાં 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં સર્જાયેલી સ્થિતિને લઈ ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર દ્વારા વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. જે બાદ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા સૂચના અપાઈ હતી.
- Advertisement -
સરકારની એડવાઈઝરીનું પાલન કરવા સૂચના
ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 20 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા સૂચના આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીનો મુખ્ય નંબર સિવાય અન્ય ઈમરજન્સી નંબર પણ લેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર રિએક્ટ ન કરવા અને અફવા પર ધ્યાન ન આપવા સૂચના આપવામાં આવી હતી. તેમજ સરકારની એડવાઈઝરીનું પાલન કરવા અને પરિવારનાં સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી હતી.
સ્થિતિ વણસતા બાંગ્લાદેશનાં પીએમએ રાજીનામું આપ્યું
- Advertisement -
ગત રોજ બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાનાં રાજીનામાની માંગ સાથે અનેક પ્રદર્શનકારીઓ રોડ પર ઉતરી આવ્યા હતા. જે બાદ સ્થિતિ વધુ વણસતા શેખ હસીનાંએ રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા હતા. જે બાદ આર્મી ચીફ વકાર ઉઝ ઝમાને તેમનાં રાજીનામાનાં સમાચાર આપ્યા હતા. તેમજ કહ્યું હતું કે, હવે દેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવશે.
બાંગ્લાદેશમાં આજે વચગાળાની સરકાર બનશે
તો બીજી તરફ બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ તમામ જગ્યાઓ પર લૂંટફાટ કરી હતી. તો બીજી તરફ આંદોલનનાં મુખ્ય આયોજક નોબેલ પુરસ્કાર વિજેતા ર્ડા.મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારનાં મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે રાષ્ટ્રપતિ શહાબુદ્દીને તાત્કાલીક અસરથી સંસદ વિખેરી નાંખી હતી. અને આજે જ વચગાળાની સરકાર બનાવવા વિનંતી કરી હતી. ત્યારે BNP એ આગામી વડાપ્રધાન માટે કોઈ નામનો પ્રસ્તાવ મૂક્યો નથી. તેમજ તાત્કાલીક હિંસા બંધ કરવા લોકોને વિનંતી કરી હતી.