ખાસ-ખબર ન્યૂઝ વાડીનાર
ખંભાળીયા તાલુકાના વાડીનાર સ્થિત દિનદયાળ પોર્ટ ખાતે આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં આજે બુધવારે સવારથી કોઈ સ્ટાફ જ નથી આવ્યો. પાંચ ગામ વચ્ચે આટલી મોટી બેંક હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. આ બેન્કમાં હજારો ખાતાધારકો છે. આ બેંકમાં રોજની સમસ્યા છે ક્યારેક સ્ટાફ ઓછો હોય છે, ક્યારેક ઈન્ટરનેટ સુવિધા બંધ હોય છે. આ બેંકની કાયમી સમસ્યાનો ઉકેલ આવતો જ નથી. આજ સવારથી પૈસાની લેવડદેવડ બંધ છે. લાખો રૂપિયાનું રોજનું ટર્નઓવર હોવા છતાં બેંકમાં કોઈ સ્ટાફ આવ્યો નથી. માત્ર એક જ કર્મચારી બેંક ચલાવે છે. ગ્રાહકોને ધક્કા થાય છે.
- Advertisement -
માત્ર એક જ બેંક હોવાથી ગ્રાહકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. દૂર દૂરથી આવતા ગ્રાહકો ખૂબ જ પરેશાન થાય છે અને આજે હજુ સુધી સ્ટાફ ન હોવાથી ગ્રાહકો રાડ-બુમ મચાવી રહ્યા છે પણ તંત્ર દ્વારા હજુ કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી. વહેલી તકે કર્મચારીઓ આવે તો જ ગ્રાહકો પૈસાની લેવડ-દેવડ કરી શકે. આવડી મોટી બેંક રામભરોસે ચાલે છે. સરકારી બાબુઓ બેંકે આવતા જ નથી. ગ્રાહકોને માત્ર ધક્કા ખાવા પડે છે. તંત્ર દ્વારા લાપરવાહી બંધ કરી પૂરતો સ્ટાફ કરવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી છે.