બાંગ્લાદેશમાં હિંસાત્મક સ્થિતિ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે (8 ઓગસ્ટ) રાત્રે 8:30 વાગ્યે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને આ અંગેની જાણકારી આપી છે. નવી સરકારમાં 15 સભ્યો હશે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોણ છે મોહમ્મદ યુનુસ?
મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો હતો. તેઓ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી, બેંકર, સામાજિક ઉદ્યોગસાહસિક અને નાગરિક સમાજના નેતા છે. તેમણે 1961 થી 1965 દરમિયાન બાંગ્લાદેશની ચિત્તાગોંગ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું. ત્યારબાદ 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાના નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા માટે લોન આપવામાં આવતી હતી. જેથી બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાય. યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે 2007માં નાગરિક શક્તિ નામનો રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો.
- Advertisement -
યુનુસને નોબેલ ઉપરાંત બીજા ઘણા એવોર્ડ મળ્યા
મોહમ્મદ યુનુસને નોબેલ ઉપરાંત બીજા ઘણા એવોર્ડ મળ્યા છે. 2009માં પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ અને 2010માં કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ સિવાય તેમને શ્રમ કાયદાના ભંગ બદલ 6 મહિનાની જેલની સજા પણ કરવામાં આવી હતી. યુનુસ 2012 થી 2018 સુધી સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે 1998 થી 2021 સુધી યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે પણ સેવા આપી છે.
બાંગ્લાદેશની હિંસામાં 400થી વધુ મોત
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં બંમ્પર જીત મેળવીને પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનેલા શેખ હસીના માટે થોડા મહિનાઓ સારા રહ્યા નથી. પહેલા ચૂંટણીમાં ધાંધલ ધમાલના આક્ષેપો થયા પછી ક્વોટા સિસ્ટમને લઈને અઠવાડિયાઓ સુધી પ્રદર્શનો ચાલ્યા અને છેવટે શેખ હસીનાના રાજીનામાની માગણી થઈ. શેખ હસીનાને વિરોધીઓ સામે ઝુકવું પડ્યું અને રાજીનામું આપીને પોતાનો દેશ પણ છોડવો પડ્યો. આ એવો દેશ છે જ્યાં શેખ હસીના 15 વર્ષ સુધી સત્તામાં હતી. હાલ બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસામાં 400થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે દેશ છોડીને આવેલા હસીના ભારતમાં આશ્રય લઈ રહ્યા છે અને અહીંથી તેઓ અન્ય દેશોમાં આશ્રય લેવા માટેના વિકલ્પો વિચાર કરી રહ્યા છે.