ખાસ-ખબર ન્યૂઝ ઢાકા, તા.12
બાંગ્લાદેશના જેશોરેશ્ર્વરી મંદિરમાંથી મા દુર્ગાનો મુગટ ચોરાઈ ગયો છે. આ ચાંદીના મુગટ પર સોનાનું પડ ચડાવેલું છે. શુક્રવારે આ ઘટનાના ઈઈઝટ ફૂટેજ સામે આવ્યા હતા. PM મોદીએ 2021માં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન જેશોરેશ્ર્વરી મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મંદિરમાં આ મુગટ અર્પણ કર્યો હતો. મોદીની આ મુલાકાત કોવિડ-19 પછી કોઈપણ દેશની પ્રથમ મુલાકાત હતી. ભારતે ચોરીની ઘટના સામે વાંધો વ્યક્ત કર્યો છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશને કાર્યવાહીની માગ કરી છે. મંદિરમાંથી મુગટની ચોરીના સીસીટીવી વીડિયોમાં જીન્સ અને ટી-શર્ટ પહેરેલો એક છોકરો મંદિરમાં પ્રવેશતો જોવા મળે છે. મુગટ ઉપાડ્યા પછી, તે તેને ટી-શર્ટની અંદર છુપાવે છે અને પછી ચોરી કર્યા પછી, તે મંદિરમાંથી બહાર નીકળી જાય છે. ચોરીની આ ઘટના ગુરુવારે બપોરે 2થી 2.30 વાગ્યાની વચ્ચે બની હતી. મંદિરના પરિચારકે જોયું કે દેવીના માથામાંથી મુગટ ગાયબ હતો. જે બાદ આ અંગે શ્ર્યામનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. શ્ર્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તૈજુલ ઈસ્લામે જણાવ્યું કે તેઓ ચોરને ઓળખવા માટે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશ પૂજા પ્રોક્લેમેશન કાઉન્સિલની શ્ર્યામનગર ઉપજિલ્લા શાખાના ઉપાધ્યક્ષ કૃષ્ણ મુખર્જીએ કહ્યું કે આ મંદિર એક તીર્થ સ્થળ છે. ભારતના વડાપ્રધાનના આગમન પછી, લોકો મંદિર વિશે વધુ જાણવા લાગ્યા.
મા દુર્ગાનું જેશોરેશ્ર્વરી મંદિર હિંદુ ધર્મમાં 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. જેસોર વિસ્તારમાં (આજનું બાંગ્લાદેશ) હોવાથી તેનું નામ ’જેશોરેશ્ર્વરી’ રાખવામાં આવ્યું હતું. મંદિરમાં દેવીની મૂર્તિ શક્તિ અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને ભક્તો અહીં દેવી માતાના આશીર્વાદ લેવા આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ મંદિરમાં આવનાર કોઈપણ ભક્તને ભય અને રોગથી મુક્તિ મળે છે. માતા ભક્તોની દરેક મનોકામના પણ પૂર્ણ કરે છે. આ મંદિર 12મી સદીમાં અનારી નામના બ્રાહ્મણ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમાં 100 દરવાજા હતા.