અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકે તેવી સંભાવના છે. સુરક્ષા અને તપાસ જોખમોને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ બંને દેશના પ્રવાસીઓના અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રમ્પની આ યાદીમાં અન્ય દેશોનો પણ સમાવેશ થાય છે. તેમના પહેલા કાર્યકાળમાં પ્રમુખ ટ્રમ્પે ઈરાન સહિત સાત મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડેન પ્રમુખ બન્યા બાદ આ આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જોકે હવે ટ્રમ્પે ફરી એક વખત સત્તા પર આવ્યા પછી એવા દેશોની યાદી તૈયાર કરવા આદેશ આપ્યો હતો, જેમના પર સંપૂર્ણ અથવા આંશિક પ્રવાસ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ યાદીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું નામ સામેલ હોવાની પ્રબળ શક્યતા છે.