-મેસ્સીની ટીમે રોનાલ્ડોની ટીમને ધોઈ નાખી: સ્ટાર ખેલાડીઓ વચ્ચેની ટક્કરને નિહાળતાં કરોડો દર્શકો

-કિલિયન એમ્બાપ્પે, રામોસ, અચરફ હકીમી, સલેમ દાવસારી, નેમાર સહિતના ખેલાડીઓએ મેચમાં લીધો ભાગ: મેસ્સીની પેરિસ સેન્ટ જર્મને 5-4થી મેચ જીતી

ફૂટબોલની રમતના બે દિગ્ગજ ખેલાડીઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી ઘણા સમય બાદ આમને-સામને ટકરાયા હતા. આ એક ફ્રેન્ડલી મેચ હતી જેમાં સઉદી ઑલસ્ટાર ઈલેવનનો મુકાબલો ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ જર્મન સાથે થયો હતો. 2025 સુધી અલ નાસેર ક્લબ સાથે કરાર બાદ રોનાલ્ડો પહેલીવાર સઉદી અરબમાં કોઈ મેચ રમી રહ્યો હતો.

આ મુકાબલા પહેલા બોલિવૂડના શહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ફૂટબોલરો સાથે મુલાકાત લીધી હતી. આ મેચમાં ગોલનો વરસાદ થયો હતો પરંતુ મુકાબલો 10 ખેલાડી સાથે રમી રહેલી પેરિસ સેન્ટ જર્મને 5-4થી જીતી લીધો હતો.

મેસ્સીએ પ્રારંભીક ત્રણ મિનિટની અંદર ડિફેન્ડર્સને હંફાવતા પહેલો ગોલ કર્યો જેનો જવાબ રોનાલ્ડોએ અદ્ભુત રીતે આપ્યો અને પીએસજીના ગોલકિપર કિલર નવીસના ફાઉલથી મળેલી પેનલ્ટીને ગોલમાં તબદીલ કરી દીધી હતી. પહેલાં હાફમાં પીએસજીએ પોતાનો એક પ્લેયર ગુમાવી દીધો હતો. મારક્વિનહોસે હાફટાઈમ પૂર્ણ થવા આવ્યો ત્યારે પીએસજીને 2-1થી આગળ કરી દીધું પરંતુ થોડી જ મિનિટમાં રોનાલ્ડોએ બીજો ગોલ કરી સ્કોરને 2-2થી બરાબર કર્યો હતો.

સેકન્ડ હાફમાં પીએસજીએ મજબૂત શરૂઆત કરી જેમાં સર્જિયો રામોસે પહેલી 10 મિનિટની અંદર એક સરળ ટેપ સ્કોર કર્યો હતો. જો કે પીએસજીની આ ઉજવણી વધુ ચાલે તે પહેલાં હ્યોન સૂ જાંગે સ્કોર બરાબર કરી દીધો હતો. છેલ્લે એમ્બાપ્પેએ પણ પીએસજી માટે ગોલ કર્યો અને અંતે 5-4થી પેરિસ સેન્ટ જર્મનની જીત સાથે પૂર્ણ થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુકાબલામાં પીએસજીની ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ રમ્યા હતા જેમાં ફ્રાન્સનો સ્ટ્રાઈકર કિલિયન એમબાપ્પે ઉપરાંત અરિફ હકીમી સામેલ હતા જેમણે પાછલા વર્ષે કતરમાં મોરક્કોને વિશ્વ કપના સેમિફાઈનલમાં પહોંચાડનારી પહેલી અરબ અને આફ્રિકી ટીમ બનાવવામાં મદદ કરી હતી. સઉદી ઑલ સ્ટાર ટીમમાં રોનાલ્ડો સાથે સલેમ અલ દાવસારી હતો જેણે વિશ્વ કપના ગ્રુપ સ્ટેજમાં આર્જેન્ટીનાની સનસનીખેજ હારમાં વિજયી ગોલ કર્યો હતો.