ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ હિન્દુઓની આસ્થાનું મોટું કેન્દ્ર અયોધ્યા રામ મંદિર પર હુમલાની ધમકી આપી છે. હવે તેની આ ધમકી બાદ રામનગરીમાં એલર્ટ જાહેર કરી દેતા દેખરેખ વધારી દીધી છે. પન્નુએ એક વીડિયો જારી કરીને ધમકી આપી છે કે, રામ મંદિરમાં 16 અને 17 નવેમ્બરના રોજ હિંસા થશે. આ ધમકી બાદ અહીં રામ મંદિરથી લઈને સમગ્ર રામનગરીમાં એલર્ટ સાથે સઘન સુરક્ષા સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
રામનગરીમાં સુરક્ષા વ્યવસ્થા હાઈએલર્ટ
હાલમાં કાર્તિક મેળો ચાલી રહ્યો છે. તેને લઈને રામનગરીમાં પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા હાઈએલર્ટ પર છે. સુરક્ષા તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, આ વખતે પરિક્રમામાં છેલ્લા વર્ષોથી ખૂબ જ વધારે શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. મેળાને લઈને ચાલી રહેલા ઉત્સાહ વચ્ચે પન્નુની ધમકીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
- Advertisement -
ડીજીપીએ આપ્યા નિર્દેશ, આઈજી-એસએસપીએ સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો
પન્નુની ધમકી બાદ અધિકારીઓએ અંદરો-અંદર રામનગરીની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને તકેદારી વધારવાનો નિર્દેશ આપ્યો છે. ડીજીપીએ પણ આ અંગે જરૂરી નિર્દેશ આપ્યા છે. આઈજી પ્રવીણ કુમાર અને એસએસપી રાજરકન નય્યરે રામનગરીના પ્રમુખ સ્થળોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. રામ મંદિર પરિસરમાં પણ વધારાની દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા સંબંધિત અધિકારીઓ અને એજન્સીઓ પરિસરમાં એલર્ટ પર છે.
રામ મંદિર તરફ જતાં માર્ગો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું
- Advertisement -
રામ મંદિર તરફ જતા માર્ગ પર પણ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘રામનગરીની સુરક્ષા પહેલાથી જ મજબૂત છે. હાઈ સિક્યોરિટી ઝોનમાં આવતા આ વિસ્તારમાં ઘણી સુરક્ષા એજન્સીઓ સક્રિય રહે છે. પન્નુની ધમકી સહિત જ્યારે પણ આવી કોઈ ઘટના સંજ્ઞાનમાં આવે છે ત્યારે સુરક્ષા વધારી દેવામાં આવે છે. રામ મંદિર સહિત સમગ્ર રામનગરીની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે. અહીં તૈનાત પોલીસ, અર્ધલશ્કરી દળો અને વિશેષ સુરક્ષા દળો દરેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવામાં કુશળ છે.’
પન્નુની ધમકી
પન્નુએ એક વીડિયો જારી કરીને કહ્યું હતું કે, અયોધ્યાના રામ મંદિરમાં 16 અને 17 નવેમ્બરના રોજ હિંસા થશે. પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી છે. આ વીડિયોમાં રામ મંદિરની સાથે-સાથે અનેક બીજા હિન્દુ ધાર્મિક સ્થળો વિરુદ્ધ હિંસા ભડકાવવાની પણ ધમકી આપવામાં આવી છે.