પક્ષ અને સંઘએ સદાય સમર્પિત અને સક્રિય કાર્યકર ગુમાવ્યા

પાડલીયા પરિવારે અને ઋષિવંશી સમાજે અભયભાઈ ભારદ્વાજના રૂપમાં પારિવારિક સભ્ય ગુમાવતા અનહદ દુઃખ

હેમરાજભાઈ પાડલીયાની અભયભાઈ ભારદ્વાજના નિધન પર સ્મરણાંજલિ

ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતનાં સ્થાપક – પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલીયાએ રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા ખાસ ખબરને જણાવ્યું હતું કે, અભયભાઈ ભારદ્વાજના નિધનથી એક બહુ મોટી પારિવારિક ખોટ પડી છે. પરમ પૂજ્ય અભયભાઈ ભારદ્વાજ અમારા પિતા સમાન હતા. અભયભાઈ ભારદ્વાજ અને તેમના સમગ્ર ભારદ્વાજ પરિવાર સાથે પાડલીયા પરિવારને વર્ષો જૂના પારિવારિક સંબંધો છે. અભયભાઈ ભારદ્વાજ એક કુશળ ધારાશાસ્ત્રી, સંનિષ્ઠ સંઘ કાર્યકર અને ભાજપનાં ખરા હિતેચ્છુ હતા ઉપરાંત તેઓ બ્રહ્મસમાજનાં અગ્રણી સાથે અમારા સૌ ઋષિવંશીઓનાં આદર્શ અને પથદર્શક હતા. સાંસદ અભયભાઈ ભારદ્વાજનું નિધન થયાના સમાચાર મળ્યા ત્યાંરથી અત્યંત દુ:ખની લાગણી અનુભવાઈ રહી છે. મન અને મગજ વ્યથિત છે. ન માત્ર સાંસદ પરંતુ ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સહિત સમાજનાં વિવિધ વર્ગો, મંડળો અને કાયદાના ક્ષેત્રને અભયભાઈ ભારદ્વાજની વિદાયથી ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. તેમની સાથેના અઢળક સંસ્મરણો આંખ સામે તરી અશ્રુધારામાં વહી રહ્યા છે.

હેમરાજભાઈ પાડલીયાએ ભાવુકપણે વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતા રામજીભાઈ પાડલીયાને અભયભાઈ ભારદ્વાજ મોટા ભાઈ તરીકે સંબોધતા હતા. મારા પિતા રામજીભાઈ પાડલીયા સાથે અભયભાઈ ભારદ્વાજને ઘનિષ્ઠ સંબંધો હતા. તેમના અનુભવો પોરબંદરના શાસનોમાં મેં જાતે અનુભવ્યા છે. મારા પિતાશ્રી રામજીભાઈ પાડલીયા જનસંઘ વખતથી અભયભાઈ સાથે રહી સૌરાષ્ટ્રભરના પ્રવાસો કરતા અને અભયભાઈની નિર્ભયતાની વાતો કરતા થાકતા નહીં. અભય અને નીડર એવા અભયભાઈ ભારદ્વાજ રાષ્ટ્રભક્તિ અને સરળ, સહજ અને ભાતૃભાવના અમારામાં પ્રણેતા હતા. અમે જ્યારે-જ્યારે તેમને મળીએ ત્યારે-ત્યારે તે રાષ્ટ્રભક્તિ અને ભાતૃભાવના સંસ્કાર વધારેને વધારે અમારામાં વિકસિત થતા. પક્ષ માટેની વફાદારી તેનામાંથી વધારેને વધારે પ્રેરણાદાયી રીતે મળતી. એક જ સંસ્થાને વળગી રહેવું અને એક જ સંસ્થા સાથે હરહંમેશા આપણે તેને માતૃભાવથી સંસ્થાનું પૂજન કરવું તેવું એમનું સૂચન હતું. જ્યારે-જ્યારે મળતા ત્યારે-ત્યારે અમારામાં નિર્ભયતાના ગુણોમાં વધારો થતો હતો. તેવી જ રીતે સમગ્ર ઓ.બી.સી. સમાજ માટે આશાનું કિરણ હતા. અમારા નાનામાં નાના જે સમાજ છે એને જોડી, સાથે ચાલી અને કેમ ચાલવું એની રીત-રસમો અમને શીખવાડતા.

હજુ હમણાં જ અભયભાઈ ભારદ્વાજે રાજ્યસભાનાં સાંસદનું ફોર્મ ભર્યું ત્યારે મને તેમને મળી શુભેચ્છા પાઠવવાનો અવસર પ્રાપ્ત થયો હતો. સંઘની શાખામાં મેં તેમની સાથે ઘણો સમય પસાર કરેલો. સંઘ, રાજકારણ અને કાયદાના ક્ષેત્ર માટે અભયભાઈ ભારદ્વાજે કરેલા સેવા, સમર્પણ કાર્યો ક્યારેય નહીં વિસરાઈ કે તેમનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. તે અતુલ્ય છે, બહુમૂલ્ય છે. અભયભાઈ ભારદ્વાજના નિધનથી અમે સૌએ સરળ અને સહ્રદય વ્યક્તિત્વનાં ધની, મહમૂલા નેક ઈન્સાનને ગુમાવ્યા છે. સ્વ. ભારદ્વાજ એ ફક્ત ભાજપના જ નહીં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ આર.આર.એસ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા તેટલા જ ભારતીય કિસાન સંઘ સાથે પણ ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા. સ્વ. ભારદ્વાજ ભારતીય કિસાન સંઘના વાલી તરીકે જવાબદારી સંભાળી હતી. અને કિસાનોના પ્રશ્નોના બારામાં થયેલા કોર્ટકેસ કે પોલીસ કેસ સમયે તેઓ એક ધારાશાસ્ત્રી તરીકે હંમેશા સંકટમોચક તરીકે હંમેશા કાર્યરત રહેતા હતા. તેમણે ઘણા સ્વયંસેવકો, કાર્યકરો, ધારાશાસ્ત્રીઓની સમાજને ભેટ આપી હતી.

ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જનતા પક્ષનું અભેદ્ય સુરક્ષા કવચ એટલે અભયભાઈ ભારદ્વાજ. અભયભાઈ ભારદ્વાજ સાહેબ એક અભેદ્ય કિલ્લાની જેમ જનસંઘ વખતથી કાર્ય કરનાર રક્ષક હતા. ગુજરાતમાં સંપૂર્ણ કોંગ્રેસનું શાસન હતું ત્યારે ગુજરાતભરના માથાભારે શખ્સોની ગેંગો જ્યાં-ત્યાં ફૂટી નીકળી હતી. પોરબંદરની ગેંગ હોય, રાજકોટની ગેંગ હોય કે પછી ગોંડલ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગરમાં ભયંકર માથાભારે શખ્સો કોંગ્રેસના નેજા હેઠળ ફુલ્યા-ફાલ્યા હતા. તે વખતે કોંગ્રેસની સામે પડવું કે ભાજપમાં રહી કામ કરવું કપરું હતું. સૌરાષ્ટ્ર-કચ્છની અંદર માથાભારે શખ્સો ભાજપના કાર્યકરોને માનસિક દબાણ આપતા અને પક્ષ છોડવા માટેની ધાક-ધમકીઓ આપતા તેના અમે સાક્ષી છીએ. આવા કપરા સમયની અંદર નાનામાં નાના કાર્યકરોને નોંધારાનો આધાર જો કોઈ હોય, સુરક્ષા કવચ જો કોઈ હોય તો એ વખતે અભયભાઈ ભારદ્વાજ હતા.

કોંગ્રેસનાં શાસનમાં કોઈપણ ભાજપ કાર્યકરને ગુંડાઓ ત્રાસ આપતા હોય એની અભયભાઈ ભારદ્વાજ સાહેબને ખબર પડે એટલે પૂરું. જે-તે ગુંડાઓ – ગમેતેવા માફિયા સાથે સીધેસીધી વાત કરી અભયભાઈ કહેતા, હવે જો કોઈ કાર્યકરોને તકલીફ પડશે તો હું તમને કાયદાકીય રીતે કોર્ટમાં ઢસડી જઈશ અને હું તમને છોડીશ નહીં, માથાભારે માફિયાઓને એ વખતે જો કોઈ સામી છાતીએ ભાજપમાંથી કઈપણ કહી શકતું હોય તો તે અભયભાઈ ભારદ્વાજ હતા. અને અભયભાઈ ભારદ્વાજજીના કારણે જ ભાજપ સુરક્ષિત હતું. ત્યારે નહતી ભાજપની સત્તા કે ભાજપના ધારાસભ્યો કે સંસદસભ્યો કોઈપણ હતા નહીં. ત્યારે ભાજપના કાર્યકરોના એક જ આધાર હતા, એ હતા અભયભાઈ ભારદ્વાજ. એ વાત મજબૂત રીતે કહેવી પડે અને સ્વીકારવી પડે. મજબૂત પીઠબળ હતું અમને ભાજપના કાર્યકરોને અભયભાઈ ભારદ્વાજનું.
એક વખત જ્યારે અમારા સમાજના લોકો તેમને મળવા ગયા ત્યારે એક શબ્દ તેમણે બોલ્યો હતો કે આ મારો સમાજ આવ્યો. એટલે આ તેમની એક જબરદસ્ત ભાતૃભાવની જે લાગણી હતી, એ ખરેખર દિલને ખૂબ જ રડાવી દે તેવી હતી. અને તે હરહમેંશા અમારા સમાજના નાનામાં નાના કાર્યક્રમ હોય, એના પ્રસંગો હોય તેને દીપવવા માટે માર્ગદર્શક બનતા. ગાંધીનગરમાં અમારા સમાજના અમોએ સમૂહલગ્ન કર્યા ત્યારે ગરીબ દીકરીઓને સમૂહલગ્નમાં ખૂબ જ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ દીકરીઓના માવતરની જેમ ઝીણામાં ઝીણી વ્યવસ્થાના જાતે માર્ગદર્શક બની તેઓએ ચિંતા કરી હતી ત્યારે અમને તેના વિશાળ લાગણીશીલ હૃદયના દર્શન થયા હતા. તેવી જ રીતે ગુજરાતભરના જેટલા મુખ્ય તીર્થો છે, મંદિરો છે. તે મંદિરો માટે તેઓ ખૂબ જ ચિંતિત રહેતા હતા અને ચિંતાતુર હતા. ત્યાંના ભૂદેવો, જે ભગવાનના પૂજા-પાઠ, પ્રાર્થના અને આરતી કરે છે અને આ મંદિરોનું જે સંચાલન કરે છે, તે ભૂદેવો માટે તેમને ખૂબ આદર અને સન્માન હતું. અને ખરેખર તે મારી સાથે કલાકોના કલાકો મંદિરોનું કઈ રીતે નિર્માણ કરવું અને કઈ રીતે તેને વિકસિત કરવા તેની વાતો કરતા. અને તેમનામાં જે ભગવાનની સેવા કરે છે તે પૂજારીજી હોય તેના માટે ખૂબ સન્માન હતું. તેવું મેં ખૂબ અનુભવ કરેલું છે. તેમના માર્ગદર્શન નીચે મેં પણ મંદિરો બાબતે કઈ રીતે આગળ વધવું તેવા પગલાંઓ લીધેલા છે.

બીજું એક એ કે એક દિવસ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના સી.એમ. બંગલામાં બ્રહ્મસમાજના ભોજનનો સમારોહ હતો. હવે એ સમારોહમાં ફક્ત અને ફક્ત બ્રહ્નસમાજને જ આમંત્રણ હતું. જેમાં હું આમંત્રિત નહતો. તેમ છતાં ગાંધીનગરમાં તે મારા બંગલામાં આવ્યા હતા. અને મને કહેલ કે તારે મારી સાથે આવવાનું છે. ત્યારે મેં કહેલ કે ભાઈ, મને આમંત્રણ નથી. ત્યારે એટલું તેમણે કહેલ કે વિજય મારો નાનો ભાઈ છે. અને ત્યાં જવા માટે આમંત્રણ ન હોય. ચાલ, તું સાથે. અને તેઓ મને સાથે લઈ ગયેલ અને તે સી.એમ. હાઉસમાં રાજકોટના અગ્રીમ આગેવાનો આવ્યા હતા. તેઓને મારો હાથ પકડી મારો પરિચય કરાવતા હતા. તે આગેવાનો સાથે મારો પરિચય એવો કરાવતા હતા કે આ મારા ખાસ મિત્ર રામજીભાઈ પાડલીયાનો દીકરો છે. અને મારા પુત્ર સમાન છે. મારો હાથ તેમને છોડ્યો નહતો, જ્યાં સુધી વિજયભાઈ રૂપાણીને અમને મળ્યા નહીં. અને સી.એમ. વિજયભાઈ રૂપાણી સાહેબને મળ્યા ત્યારે તે જાણે વિજયભાઈના મોટા ભાઈ હોય તે રીતે તેમને તુંકારે બોલાવી. વિજય, જરા આ બાજુ તું સાઈડમાં આવ તો. અને તું હેમરાજ સાથે જરા એકલો બેસી લે. એટલે વિજયભાઈએ કહ્યું કે અભયભાઈ, અત્યારે ખૂબ જ મહેમાનો છે. હું મળી લઈશ નિરાંતે. તો અભયભાઈએ કહ્યું કે નહીં, નહીં, નહીં, તું અત્યારેને અત્યારે હેમરાજ સાથે બેસ. મારા માટે સી.એમ. સાહેબને એમ કહેતા હતા કે વિજય, તું આની સાથે વાત કરી લે અને બેસી લે. અને વિજયભાઈ ઊભા થઈ એમનો આદર રાખી મારી સાથે નિરાંતે વાત કરે. આવા એક પિતાનો છાંયો અમે ગુમાવ્યો હતો.

અભયભાઈ ભારદ્વાજ હરહંમેશ કાર્યકરોને ખુશ જોવા ઈચ્છતા હોય છે. એમને યાદ કરતા આજે કહેવું પડે કે ‘આજ મારી આંખલડી રૂએ છે, આંસુ ધારાને લૂછનારો અમને સાંભરે.’ સંસારના અંધકારનો દીવાદાંડી, સમાજ અને રાજધર્મની પગદંડી અમારી આજે સાંભરે છે. સ્વ. અભયભાઈ ભારદ્વાજે અનેક પ્રસંગોએ પ્રજા હિતમાં સેવા કરી છે. તેઓ પક્ષ અને સંઘ માટે તેઓ સદાય સમર્પિત અને સક્રિય રહ્યા હતા. તેમની જગ્યા કોઈ નહીં લઈ શકે એવું જણાવતા હેમરાજભાઈ પાડલીયાએ અભયભાઈ ભારદ્વાજના આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે અને તેમના ભારદ્વાજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ઋષિવંશી સમાજ તરફથી પ્રાર્થના કરી હતી.