જીવનનગરમાં 330 દર્દીઓએ લાભ લીધો, દર્દીઓની ઉત્તમ સેવા કાર્યને બિરદાવતું વિજ્ઞાન જાથા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે, જીવનનગરના મહાદેવધામમાં સાંઈનાથ હોસ્પિટલ, હોમિયોપેથીક મેડિકલ કોલેજના તજજ્ઞ ડોકટર ટીમે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં 330 દર્દીઓએ ભાગ લીધો હતો. તમામ દર્દીઓને વિનામૂલ્યે 15 દિવસની દવા આપવામાં આવી હતી.
નિદાન કેમ્પનું ઉદ્દઘાટન વડોદરા પારૂલ યુનિવર્સિટીના કેમ્પસ ડિરેકટર ડો. બી. પી. પંડા, રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. હિતાર્થ મહેતા, જાથાના જયંત પંડયા, ડો. નિરવ ગણાત્રાની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ડો. બી. પી. પંડાએ વિજ્ઞાન યાત્રા અને જીવનનગર વિકાસ સમિતિને સમાજના કલ્યાણ માટેના પ્રયાસો અને વિવિધ રોગોમાં હોમિયોપેથીની અસરકારકતા માટેના કાર્ય બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દર્દી જનની સેવા માટે સમર્પિત રહેતા આ સંગઠનોના યોગદાનની પ્રશંસા કરી હતી અને હોમિયોપેથી માટે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને અસરકારકતાની વાત મુકી નિયમિત દવા લેવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે જાથાના સેવાકીય કાર્યોની પ્રશંસા કરી હતી.
- Advertisement -
રાજકોટ હોમિયોપેથીક મેડીકલ કોલેજના પ્રિન્સીપાલ ડો. હિતાર્થ મહેતાએ કોલેજ દ્વારા ચલાવાતી વિવિધ શૈક્ષણિક, કિલનિકલ અને સામાજિક પ્રવૃત્તિઓ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી. સહાયક પ્રોફેસર ડો. નિરવ ગણાત્રાએ સાંઈનાથ હોમિયોપેથીક હોસ્પિટલ દ્વારા આયોજીત આરોગ્ય અને જાગૃતિ પ્રવૃત્તિઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે હોસ્પિટલ દ્વારા નિમ્નવર્ગીય લોકો સુધી ગુણવત્તાવાળી આરોગ્ય સેવા પહોંચાડવાના પ્રયત્નો અને સમાજના સર્વાંગી વિકાસ માટે હોમિયોપેથીના સમન્વિત અભિગમ અંગે વિગતવાર રજૂઆત કરી દર્દીઓને માહિતી આપી હતી. ડો.રીંકલ અધવરૂયુ, ડો. જીનેશ મહેતા, ડો.અભિષેક રાણા, ડો.અમન કુરેશી, ડો.વિશ્વા લીંબાસીયા અને તાલીમ લેતા છાત્રાઓ મેડિકલ કેમ્પમાં હાજરી આપી હતી.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ સર્વરોગ નિદાન કેમ્પ માટે રાજકોટ હોમિયોપેથીક કોલેજને અભિનંદન આપી સરાહના કરી હતી. આ નિદાન કેમ્પમાં એસીડીટી, પેટના દર્દો, કોઢ-સફેદ ડાઘ, સ્ત્રી રોગો, માસિક અનિયમિત, કાયમી શરદી, દમ-વા, સંધીવા, કમરનો દુ:ખાવો, સાયટીકા, ગરદનનો દુ:ખાવો, હરસ, મસા, ચામડીના રોગો, કાન રસી આવવું, પથરી, મોં પર ખીલ, આંખને ફરતે કુંડાળા, કિડનીના સ્ટોન, સોરીયાસીસ, વાળ ખરવા જેવા રોગોની તજજ્ઞ ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી. નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિનગર, શિવપરા, ગાંધીગ્રામ વિસ્તાર, રૈયા રોડના રહીશોએ ભાગ લીધો હતો. મહાદેવધામના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ, પટ્ટાંગણમાં વિવિધ રોગોના દર્દીઓ માટે સુવ્યવસ્થા કરી રોગ સંબંધી ડોકટરો પાસે લઈ જઈ ઉપચાર સંબંધી તમામ વ્યવસ્થા કરી હતી. કેમ્પની તૈયારી જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ વિનુભાઈ ભટ્ટ, વિજયભાઈ જોબનપુત્રા સહિતના અનેક સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.