એક દેશ એક ચૂંટણી મુદ્દે જો બિલ પસાર થશે તો દેશમાં એકસાથે ચૂંટણી યોજાશે, ભારત સરકારે એક સમિતિની રચના કરી
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર એક મોટું પગલું ભરવાની કવાયત કરી રહી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં એક દેશ એક ચૂંટણીનો મુદ્દો સતત હેડલાઇન્સ બની રહ્યો છે. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભારત સરકારે એક સમિતિની રચના કરી છે, જે આ અંગે પોતાનો રિપોર્ટ આપશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ કમિટીના નેતૃત્વ કરશે. ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર સૂચના પણ બહાર પાડશે.
- Advertisement -
કેન્દ્ર સરકારે ગઈકાલે જ 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર એક દેશ-એક ચૂંટણીને લઈને બિલ લાવી શકે છે અને ચર્ચા બાદ તેને પાસ કરી શકે છે. આ અટકળો શરૂ થતાની સાથે જ દેશમાં નવી ચર્ચા શરૂ થઈ હતી. જોકે ઘણા વિપક્ષી નેતાઓએ આવા કોઈપણ બિલ લાવવાને ગેરબંધારણીય ગણાવ્યુ હતું.
જો એક દેશ એક ચૂંટણી લાગુ કરવામાં આવે તો શું …….
આ તરફ જો દેશમાં એક દેશ-એક ચૂંટણીના નિર્ણયનો અમલ થશે તો તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક અવસરે આના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે અને હવે આને લઈને દેશમાં વાતાવરણ સર્જાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કાયદા પંચે એક દેશ એક ચૂંટણી પર સામાન્ય લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો.
શું કહ્યું હતું PM મોદીએ ?
PM મોદીએ સંસદમાં કહ્યું હતું કે, કોઈએ એક દેશ, એક ચૂંટણીના મુદ્દાને સ્પષ્ટપણે નકારી કાઢવો જોઈએ નહીં અને તેના પર વિગતવાર ચર્ચા થવી જોઈએ. PM મોદીએ કહ્યું હતું કે, દેશના સમય, ખર્ચ અને વિકાસની ગતિને ઝડપી બનાવવા માટે એક દેશ, એક ચૂંટણી સમયની જરૂરિયાત છે અને કહ્યું હતું કે, આપણે આ દિશામાં પગલાં ભરવા જોઈએ.