રેખા ઉપરાંત મુમતાઝને પણ આ સીરિઝમાં રોલની ઓફર કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
સંજય લીલા ભણશાળીની બહુ મહત્વાકાંક્ષી વેબસીરીઝ ’હીરામંડી’ હવે પૂર્ણતાને આરે છે. આ સીરીઝનાં છેલ્લાં શિડયૂલનું શૂટિંગ મુંબઈમાં આ મહિને પૂર્ણ થઈ જશે. સંજય લીલા ભણશાળી અંતિમ શૂટિંગ લખનૌમાં કરી શકે છે. જોકે, ભણશાળીના નિકટના સૂત્રોએ કહ્યું હતું કે સંજય લીલા ભણશાળીને આઉટડોર શૂટિંગ બહુ પસંદ નથી.
- Advertisement -
તે મોટાભાગે સ્ટુડિયો જેવી જગ્યાએ જ્યાં બધું જ પોતાના નિયંત્રણ હેઠળ હોય ત્યાં જ સેટ ઊભા કરીને શૂટિંગ કરવાનો આગ્રહ રાખે છે. ’પદ્માવત’ તથા ’બાજીરાવ મસ્તાની’ના શૂટિંગ વખતે કેટલાક અનુભવો બાદ બને ત્યાં સુધી કોઈ સ્ટુડિયોમાં જ શૂટિંગનો આગ્રહ રાખે છે. બીજી તરફ આ સીરીઝમાં મૂળ રેખા માટે લખાયેલો રોલ મનિષા કોઈરાલાને આપી દેવાયો હોવાની વાત બહાર આવતાં ચાહકોને આંચકો લાગ્યો છે.
રેખાનો રોલ એક નિપુણ કથ્થક નૃત્યાંગનાનો હતો અને મનિષા કોઈરાલા આ નૃત્યની જાણકાર નથી. મનિષા બહુ લાંબા સમયથી ફિલ્મ દુનિયાથી બહાર પણ છે. સંજય લીલા ભણશાળીએ અગાઉ રેખા ઉપરાંત મુમતાઝને પણ આ સીરીઝમાં રોલની ઓફર કરી હતી. જોકે, વિતેલા જમાનાની આ બંને જાજરમાન અભિનેત્રીઓએ આ રોલ કરવાની ના પાડી દીધી હતી.