- સપ્લાયમાં 10 ટનનો વધારો થયો, સ્થાનિક ઉત્પાદન 15 ટન થતા સ્થિતિ સુધરી
- હોસ્પિટલમાંથી રોજ 50 ફોન આવતા આજે માત્ર 4 આવ્યા : જે. કે. પટેલ
રાજકોટમાં ઓક્સિજનની ભારે અછત વચ્ચે ક્યા કારણોથી અછત ઊભી થઈ છે તેમજ તેનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તે માટે દિવ્ય ભાસ્કરે સતત હકીકત રજૂ કરતા આખરે ઓક્સિજનના જથ્થામાં 10 ટનનો વધારો કરાયો છે અને સ્થાનિક ઉત્પાદન પણ 15 ટન થતા કુલ જથ્થો 120થી 25 ટન થતા કટોકટીમાંથી આંશિક રાહતમળી છે. રાજકોટને માત્ર 70 ટન જથ્થો આપતા કટોકટી ઊભી થઈ હતી ત્યારબાદ જથ્થો 100 ટન અપાશે તેવી ખાતરી કરાઈ હતી.
જોકે રાજકોટની જરૂરિયાત તેના કરતા ક્યાંય વધારે છે તે ગણતરી સાથે ભાસ્કરે પ્રકાશિત કર્યું હતું અને ક્યાંથી જથ્થો અટકે છે તે પણ સામે આવ્યું હતું. આ કારણે રાજ્યમાંથી આવતો ઓક્સિજનનો જથ્થો 10 ટન વધારી 110 ટન કરી દેવાયો છે અને સ્થાનિક કક્ષાએથી પણ જે ઉત્પાદન હતું તે 15થી 16 ટન થઈ રહ્યું છે. આ રીતે કુલ જથ્થો 125 ટન થતા આંશિક રાહત થઈ છે.
- Advertisement -
જોકે હજુ પણ હોમ આઈસોલેશનના દર્દીઓ માટે સ્વજનોને કતારમાં ઊભું રહેવું પડે છે એટલે જ્યાં હજુ 15 ટન જથ્થો ન આવે ત્યાં સુધી કટોકટી તો રહેશે. હોસ્પિટલની સ્થિતિ વિશે ઓક્સિજનના નોડલ અધિકારી જે. કે. પટેલે જણાવ્યું હતું કે, ‘બધા પ્લાન્ટ અને સેન્ટરની સતત મુલાકાત લઈએ છીએ અને ત્યાં સ્થિતિ ઘણી સારી થઈ ગઈ છે. પહેલા ઓક્સિજનની ફરિયાદ માટે રોજ 50 હોસ્પિટલના ફોન આવતા અને બધાને મેનેજ કરતા હતા આજે માત્ર 4 હોસ્પિટલના ફોન આવ્યા અને તેમના જથ્થાની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે. જે સાબિત કરે છે કે હવે સ્થિતિ ઘણી સારી થઈ રહી છે.’


