ખાસ-ખબર સંવાદદાતા
ભારતની ઓલિમ્પિયન તલવારબાજ ભવાની દેવીએ એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ભવાની દેવી તલવારબાજીની એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. તેણે સેબરની વ્યક્તિગત સ્પર્ધામાં આ સફળતા હાંસલ કરી હતી. ભવાની દેવીએ ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની વર્લ્ડ ચેમ્પિયન મિસાકી ઈમુરાને ભારે સંઘર્ષ બાદ 15-10થી હરાવી હતી. જે પછી સેમિ ફાઈનલમાં પણ ભવાનીએ શાનદાર દેખાવ કરતાં ઉઝબેકિસ્તાનની ઝાયનાબ દાવીબેેકોવાને જોરદાર લડત આપી હતી.
જોકે ભારે રસાકસી બાદ ભવાનીનો 14-15થી પરાજય થયો હતો. આ પછી દાવીબેકોવાએ ફાઈનલમાં સાઉથ કોરિયાની યૂન જી-સુને 15-9થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભવાનીને બ્રોન્ઝથી સંતોષ માનવો પડયો હતો. અગાઉ જાપાનીઝ તલવારબાજ મિસાકી સામે ભવાની ત્રણ મુકાબલા હારી ચૂકી હતી. જોકે આ વખતે તેણે નવો ઈતિહાસ આલેખી દીધો હતો.
- Advertisement -
તેણે કહ્યું કે, આ મેડલ મારા માટે અને દેશ માટે મહત્વનો છે. તેમાં ય જાપાનીઝ ખેલાડી મિસાકી સામેની જીત યાદગાર રહી હતી. સેમિ ફાઈનલમાં ભવાની અને દાવીબેકોવા બંને 14-14થી બરોબરી પર હતા, ત્યારે રેફરીએ મુકાબલાની વહેલી શરુઆત માટે ભવાનીને રેડ કાર્ડ દેખાડયું હતુ. ભવાનીએ વિડિયો રેફરલ માંગ્યું હતુ.
જોકે રેફરીએ એમ કહીને નકારી કાઢ્યું હતુ કે, જો બંને ખેલાડીની તલવાર વચ્ચે ટક્કર થઈ હોય તો જ વિડિયો રેફરલ મળી શકે. આમ ભવાનીનું ગોલ્ડ મેડલનું સ્વપ્ન સાકાર થઈ શક્યું નહતુ. અગાઉ પ્રથમ રાઉન્ડમાં બાય પછી તેણે કઝાખસ્તાનની ડોસ્પાય કારિનાને અને ત્યાર બાદ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ત્રીજો સીડ ધરાવતી ઓઝાકી સેરીને હરાવી હતી. હવે ભવાનીની નજર તારીખ 22મી 30મી જુલાઈ દરમિયાન યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ પર રહેશે.