આગામી વર્ષથી લાગુ પડનારી ‘વાહન સ્ક્રેપીંગ પોલીસી’ની તૈયારી શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આવતા વર્ષથી લાગુ પડનારી ‘વાહન સ્ક્રેપીંગ પોલીસી’ માટે ત્રણ સ્ક્રેપ સુવિધાને મંજૂરી આપી દેવામાં આવી છે. ખેડામાં બે તથા ભાવનગર પંથકમાં એક સ્ક્રેપીંગ યાર્ડ ઉભા થશે. જ્યાં ભંગાર વાહનોની સ્ક્રેપ પ્રક્રિયા થશે.
ગુજરાતમાં બે તબક્કે વાહન સ્ક્રેપીંગ પોલીસી લાગુ પડવાની છે. પ્રથમ તબક્કો 1 એપ્રિેલ, 2023થી અમલી બનશે. પ્રથમ તબક્કે કોમર્શિયલ વાહનોને આવરી લેવામાં આવનાર છે. બીજો તબક્કો 1, જૂન, 2024થી લાગુ થશે. જેમાં તમામ ખાનગી વાહનોને પણ આવરી લેવાશે. 15 વર્ષથી જૂના વાહનોને ભંગારમાં ધકેલવાની આ પોલીસી છે. વાહન 15 વર્ષ જૂના થઇ જાય તો ફરજીયાતપણે તેનું ફીટનેસ ટેસ્ટીંગ કરાવવાનું થશે અને તેમાં વાહનની આવરદા પૂર્ણ થઇ ગયાનું માલુમ પડવાના સંજોગોમાં ફરજીયાતપણે ભંગારમાં નાખવું પડશે.
- Advertisement -
ફીટનેસ ટેસ્ટમાં વાહન હજુ ચાલવા યોગ્ય હોવાનું માલુમ પડવાના સંજોગોમાં ફરી વખત રિ-રજીસ્ટ્રેશનની છૂટ રહેશે. રાજ્યનાં પરિવહન વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે ફીટનેસ ટેસ્ટીંગ વખતે વાહનમાં ક્ષતિ હોવાનો રિપોર્ટ આવે તો રિપેરીંગ કરીને ફરીથી ટેસ્ટીંગની છૂટ રહેશે પરંતુ ટેસ્ટીંગમાં વાહન એકદમ ભંગાર હોવાનું અને આવરદા પૂર્ણ થઇ ગયાનો રિપોર્ટ આવવાના સંજોગોમાં ફરજીયાતપણે ભંગારમાં જ નાખવાનું રહેશે. જો કે વાહન માલિકને એક વખત આરટીઓ સમક્ષ અપીલ કરવાની છૂટ રહેશે.વાહન સ્ક્રેપીંગ ફેસીલીટીને રાજ્ય સરકારનાં વાહન પોર્ટલ સાથે લીંક કરવામાં આવશે એટલે ભંગારમાં જતાં વાહનોનો રજીસ્ટ્રેશન ડેટા તેમાં ઉપલબ્ધ બની જશે. સંબંધીત આરટીઓ રજીસ્ટ્રેશન રદ કરી નાખશે. ગુજરાતમાં માર્ગો પર ફરતા 38 ટકા વાહનો 15 વર્ષ જૂના છે આ તમામ વાહનોને ફરજીયાત ફીટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે.