ગુજરાતના 8 ડેમોમાં 70 ટકાથી વધુ પાણી, 16 ડેમો તળિયાઝાટક રાજકોટમાં મનપા દૈનિક 14.70 કરોડ લિટર ગટરનું પાણી ટ્રીટ કરી ડેમમાં છોડે છે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગુજરાતના 206 ડેમોમાં હાલ 16 ડેમો તો મહદ્અંશે સુકાઈ ગયા છે, ઝીરોથી એક ટકો જળસંગ્રહ છે, અને માત્ર 8 ડેમોમાં નોંધપાત્ર કહી શકાય એટલું 70 ટકા પાણી છે પરંતુ, એક ડેમ એવો છે જે સિંચાઈ તંત્રના પ્રોટોકોલ મૂજબ ભરઉનાળે ’હાઈ એલર્ટ’ પર છે, આ છે રાજકોટનો આજી-2 ડેમ. અને તેનું કારણ વરસાદી કે સૌની યોજનાનું પાણી નથી પરંતુ, શહેરની ભૂગર્ભ ગટરનું પાણી પાંચ સ્થળોએ પમ્પ કરીને સુએઝ ટ્રીટમન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરીને આ ડેમમાં છોડાય છે તે કારણે રાજ્યમાં માત્ર આ એક ડેમ કાયમ છલોછલ રહે છે.
રાજકોટ મનપાના (1) રૈયા વિસ્તારના ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 3.40 કરોડ લિટર (2) રૈયાધારથી 2.80 કરોડ લિટર (3) માધાપર પ્લાન્ટથી 4.80 કરોડ લિટર (4) માધાપરના અન્ય પ્લાન્ટથી 80 લાખ અને (5) ગૌરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 2.90 કરોડ લિટર સહિત કૂલ 14.70 કરોડ લિટર પાણી એટલે કે આશરે 5 એમ.સી.એફટી. આજી નદીમાં છોડાય છે જે પાણી આજી-2 ડેમ તરફ વહે છે. આ પાણીનો મુખ્ય ઉપયોગ હાલ ખેતીવાડીમાં થાય છે.
સિંચાઈ વિભાગ અનુસાર કૂલ 22.09 મિલિયન ક્યુબીક મીટર એટલે કે આશરે 730 એમ.સી.એફટી.ની ક્ષમતાના આ ડેમમાં હાલ 94.94 ટકા જળસંગ્રહ છે.
ડ્રેનેજનું પાણી પંપ કરીને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લઈ જવા મનપાએ મહિને રૂમ. 70- 80 લાખનો તો વિજળી ખર્ચ કરવો પડે છે, આ ટ્રીટેડ વોટર પીવા માટે વાપરી શકાતું નથી પરંતુ, તેનો ઉપયોગ વૃક્ષારોપણ, શહેરના 156 ઉદ્યાનો, ઔદ્યોગિક વપરાશ, હાઈરાઈઝ મોટા બિલ્ડીંગોમાં ટોઈલેટ્સના ફ્લશ માટે, બાંધકામમાં ક્યુરીંગ (પાણી છાંટવા) વગેરે માટે થઈ શકે છે પરંતુ, મનપાએ હજુ આ દિશામાં પ્રગતિ સાધી નથી અને તેથી શહેરમાં આવા કામ માટે પણ પીવાના પાણીનો ઉપયોગ થતો રહે છે.
- Advertisement -
બીજી તરફ, રાજ્યના 206 ડેમમાં હાલ 2,80,222 એમ.સી.એફટી. એટલે કે 50.27 ટકા જળસંગ્રહ છે, જે ગત વર્ષ કરતા 7038 એમ.સી.એફટી.સંગ્રહ ઓછો છે. સૌરાષ્ટ્રમાં સર્વાધિક 141 ડેમો આવેલા છે જેમાં સરેરાશ 40.55 ટકા પાણી જ હાલ બચ્યું છે. તો ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં તો માત્ર 15 ટકા સંગ્રહ છે. સરદાર સરોવરમાં 52.83 ટકા એટલે કે 176494 એમ.સી.એફટી. જળસંગ્રહ છે. આ જળાશયોમાંથી પીવાનું પાણી રાજ્યના ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વિતરીત થાય છે તે પાણી વપરાયા પછી ગટરમાં વહે છે અને ગટરનું પાણી જો ફરી ઉપયોગમાં લેવાય તો પીવાના પાણીનો જથ્થો ઓછો વપરાય તેમ છે.


