મોર્નિંગ મંત્ર
– ડૉ. શરદ ઠાકર
કાશ્મીર શૈવિઝમનું એક સૂત્ર છે : ‘मध्यविकासात् चिदानन्दलाभः।’ જ્યારે સિદ્ધયોગના સાધકો સતત અવિરત દીર્ઘકાળ સુધી એકાગ્રચિત્તે સાધના કરે છે, ત્યારે તેની મધ્યનાડી એટલે કે સુષુમ્ણામાં કુંડલિની જાગ્રત થાય છે. એ પછી તેમને ચિતિ ભગવતીનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવું થયા પછી સાધકના મનની અવસ્થા ધ્યાન સહિત તેમ જ ધ્યાન રહિત સ્થિતિમાં એક સમાન બની રહે છે. તેને ધ્યાનમાં જે અનુભવ થાય છે તે વ્યવહાર દશામાં પણ યથાવત રહે છે. આવા યોગીને ધ્યાનમાં પણ પૂર્ણ સમતા અને વ્યવહારમાં પણ પૂર્ણ નિશ્ચિંતતા આવી જાય છે. જ્યારે સાધકની યોગભૂમિ આવી નિશ્ચિંતતા યુક્ત અને દૃઢ બની જાય છે, ત્યારે તેને સતત અખંડિત રહેતી વિક્ષેપ રહિત સ્થિતિ સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. આ સ્થિતિને સહજાવસ્થા કહે છે. આવી સહજ અવસ્થા પ્રાપ્ત થઈ ગયા પછી મનુષ્ય સંસારમાં રહેતો હોય તો પણ તેને મહાયોગી કહેવાય છે. સહજાવસ્થા પ્રાપ્ત થયા પછી મનુષ્યને પૂજા-પાઠ, ધ્યાન દરમ્યાન કે પોતાના તમામ દુન્યવી કાર્યોમાં એટલે કે ઘર, બાળકો, નોકર-ચાકર, આહાર-વિહાર આ દરેક આચારોમાં ચિતિનો જ ઉન્મેષ દેખાય છે.