અંતે આંતરરાષ્ટ્રીય કોર્ટના દબાણથી પાકિસ્તાન ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા રાજી થયું છે.
આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય અનુસાર કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે પાકિસ્તાનની સંસદની સંયુક્ત બેઠકમાં એક વિધેયક પસાર કરવામાં આવ્યો છે. હવે કુલભૂષણ જાધવ હાઈકોર્ટમાં પોતાની સજા વિરુદ્ધ અપીલ કરી શકશે. આજ સુધી સૈન્ય અદાલત તરફથી મોતની સજા પામેલા કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર ન હતો પરંતુ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. પાકિસ્તાન સરકાર એવો ખોટો આરોપ લગાવતી આવી છે કે કુલભૂષણ જાધવ પૂર્વ ભારતીય નૌસૈનિક છે અને પાકિસ્તાનમાં કેટલીય ખતરનાક ગતિવિધિઓમાં સામેલ હતો તેથી તેની 3 માર્ચ 2016ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન શરૂઆતથી જૂઠ ફેલાવતું આવ્યું છે અને તેને તેનું જૂઠ છતું થઈ જતા ઘણીવાર પીછેહટ પણ કરવી પડી છે. ફરી એકવાર કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનની પીછેહટ થઈ છે. અગાઉ કુલભૂષણ જાધવની ધરપકડ બાદથી ભારતે પાકિસ્તાન પાસે વારંવાર રાજદ્વારી મદદ માગી હતી, પરંતુ પાકિસ્તાને તેનો જવાબ આપવાના બદલે વર્ષ 2017માં પાકિસ્તાનની સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને ફાંસીની સજા સંભળાવી હતી. જે બાદ ભારતે પાકિસ્તાનના આ નિર્ણય સામે નેધરલેન્ડના હેગમાં આવેલી ઈન્ટરનેશનલ કોર્ટમાં અપીલ કરી હતી. ઈન્ટરનેશનલ કોર્ટમાં પોતાના નિર્ણયને લઈને પાકિસ્તાનને અહીં પણ ફટકાર લગાવવામાં આવી હતી, અહીં પણ પાકિસ્તાનનું નાક કપાયું હતું.
- Advertisement -
કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન વારંવાર રંગ બદલતું રહ્યું છે. તે પહેલાં જાધવને રાજદ્વારી મદદ આપવા આનાકાની કરતું હતું, જ્યારે ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતનું શરણું લીધું તો તેના માટે તૈયાર થયું. એવી જ અમાનવીય હરકતો તેણે કુલભૂષણ જાધવને તેના પરિવાર સાથે મળવા દરમિયાન પણ કરી હતી. અંતે એમાં પણ એને ઝૂકવું પડ્યું હતું અને હવે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય અનુસાર કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે પાકિસ્તાનને ઝૂકવું પડ્યું છે. આમ, કુલભૂષણ જાધવ મામલે શરુઆતથી લઈ આજ સુધી પાકિસ્તાનનું જૂઠ છતું થઈ જતા તેને વાંરવાર પીછેહટ કરતી રહેવી પડી છે. અલબત્ત કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીયસ્તરે છબી પણ ખરડાઈ છે.



