સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનો સોગંદનામા દ્વારા પક્ષ રજૂ
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને રીલ બનાવનારા કન્ટેન્ટ ક્રિએટર્સને વ્યાવસાયિક પત્રકારો જેવી વિશેષ સુરક્ષા કે કાયદાકીય છૂટ આપી શકાય નહીં
- Advertisement -
કામગીરીનો હેતુ નક્કી કરશે પત્રકારત્વની ઓળખ
સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે પત્રકારત્વની ઓળખ અને પત્રકારોને મળતી સુરક્ષાના મુદ્દે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને રીલ્સ બનાવતા કન્ટેન્ટ ક્રિએટર્સને વ્યાવસાયિક પત્રકારો સમાન વિશેષ સુરક્ષા કે કાયદાકીય છૂટ આપી શકાય નહીં. માત્ર હાથમાં કેમેરા અને માઇક્રોફોન રાખવાથી કોઈ વ્યક્તિ પત્રકાર બની જતી નથી. વ્યક્તિની કામગીરીનો મુખ્ય હેતુ અને તેનું સ્વરૂપ નક્કી કરશે કે તે ખરેખર પત્રકારત્વ કરી રહી છે કે માત્ર સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ બનાવી રહી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, વ્યાવસાયિક પત્રકારોનું મુખ્ય કાર્ય નિષ્પક્ષ રીતે સમાચાર અને તથ્યો એકત્રિત કરી લોકો સુધી પહોંચાડવાનું છે. જ્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને રીલ ક્રિએટર્સનું મુખ્ય ધ્યાન સોશિયલ મીડિયા માટે આકર્ષક કન્ટેન્ટ તૈયાર કરવા પર હોય છે. આવા કેટલાક લોકો વ્યાવસાયિક લાભ અને કમાણીના હેતુથી વિવિધ ઘટનાઓનું વીડિયો રેકોર્ડિંગ કરતા હોય છે. તેથી માત્ર કેમેરા કે માઇક્રોફોનના આધારે તેમને પત્રકારનો દરજ્જો આપી શકાય નહીં.
- Advertisement -
પોલીસે વધુમાં જણાવ્યું છે કે વિરોધ પ્રદર્શનોના કવરેજ દરમિયાન પત્રકારોની સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો વ્યાવસાયિક પત્રકારો માટે છે. કોઈપણ વ્યક્તિ માત્ર પોતાને પત્રકાર ગણાવીને સામાન્ય કાયદા અથવા પોલીસની સૂચનાઓમાંથી મુક્તિ મેળવી શકે નહીં. આ મામલે હવે પત્રકારત્વની ઓળખ, સ્વતંત્ર રિપોર્ટિંગના અધિકાર અને પત્રકારોને મળતી સુરક્ષાના વ્યાપ અંગે ચર્ચા તેજ બની છે. એક તરફ પત્રકાર સંગઠનો રિપોર્ટિંગ દરમિયાન પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ દિલ્હી પોલીસ પત્રકારો અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સ વચ્ચે સ્પષ્ટ ભેદ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકી રહી છે. આમ, સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા દિલ્હી પોલીસના આ સોગંદનામાએ ડિજિટલ યુગમાં પત્રકાર કોણ અને કન્ટેન્ટ ક્રિએટર કોણ તે અંગેની ચર્ચાને નવો વળાંક આપ્યો છે.
સ્વતંત્ર પત્રકારોને પણ પત્રકારત્વની માન્યતા
જોકે, દિલ્હી પોલીસે પોતાના સોગંદનામામાં સ્વતંત્ર પત્રકારો અને માન્યતા પ્રાપ્ત પત્રકારો વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કર્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)ની માન્યતા ન હોવી કે કોઈ મોટા મીડિયા હાઉસમાં નોકરી ન કરવી એના આધારે કોઈ વ્યક્તિને પત્રકાર માનવાનો ઇનકાર કરી શકાય નહીં. પોલીસે સ્વીકાર્યું છે કે ફ્રીલાન્સ પત્રકારો, સ્વતંત્ર પત્રકારો તેમજ ડિજિટલ પ્લેટફોર્મ પર સમાચાર પ્રકાશિત કરતા નાગરિકો પણ પત્રકારત્વ કરી શકે છે. જોકે, તેમની કામગીરી વાસ્તવિક સમાચાર એકત્રિત કરવા, તથ્યોની ચકાસણી કરવા અને રિપોર્ટિંગ સાથે સંકળાયેલી હોવી જરૂરી છે. એટલે કે પત્રકારની ઓળખ માટે માત્ર સંસ્થાનું ઓળખપત્ર કે સરકારી માન્યતા જ નહીં, પરંતુ વ્યક્તિ કઈ પ્રકારની કામગીરી કરે છે તે પણ મહત્ત્વનું છે.
SIR વિવાદ અને વિરોધ પ્રદર્શનના કવરેજથી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
આ સમગ્ર મામલો દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શનો અને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિવાદ સાથે જોડાયેલો છે. આ પ્રદર્શનોના કવરેજ દરમિયાન પોલીસે પત્રકારો સાથે ગેરવર્તન કર્યું હોવાના અને કેટલાક પત્રકારોને અટકાયતમાં લઈને તેમની રિપોર્ટિંગ કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. નેટવર્ક ઓફ વુમન ઇન મીડિયા, ઇન્ડિયા (NWMI) સહિતના વિવિધ પત્રકાર સંગઠનોએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં રજૂઆતો કરી હતી. તેના જવાબમાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો હાથમાં માઇક્રોફોન અને કેમેરા લઈને પોતાને મીડિયા કર્મચારી ગણાવતા હતા. જેના કારણે વાસ્તવિક પત્રકારોની ઓળખ કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી.



