આગામી અઠવાડિયે ટિકિટ સિસ્ટમ શરૂ થશે: ભાજપે તેને 45 કરોડનું શીશમહલ ગણાવ્યું હતું
દિલ્હી સરકાર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના બંગલાને જનતા માટે ખોલશે. ડઠઉ મંત્રી પ્રવેશ સાહિબ સિંહે મંગળવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આવતા અઠવાડિયા સુધીમાં લોકો માટે મુલાકાત બુક કરવાની ટિકિટિંગ સિસ્ટમ શરૂ થશે. શરૂઆતમાં મીડિયા માટે ટૂર યોજશે. ત્યાર બાદ સામાન્ય લોકો માટે ટીકીટ ખરીદીને આવાસનો આંતરિક ભાગ જોઈ શકશે. અરવિંદ કેજરીવાલ વર્ષ ૨૦૧૫થી ૨૦૨૪ સુધી, ૯ વર્ષ સમગ્ર પરિવાર સાથે આ બંગલામાં રહ્યા હતા. ભાજપે તેના રિનોવેશનના ખર્ચ પર સવાલ ઉઠાવ્યો હતો અને બંગલાને ‘શીશમહલ’ નામ આપ્યું હતું.
- Advertisement -
કેજરીવાલના બંગલાના રિનોવેશન પર 342% વધુ ખર્ચ
દિલ્હી વિધાનસભામાં ગયા વર્ષે રજૂ કરાયેલા CAGના અહેવાલ મુજબ, કેજરીવાલના બંગલાના રિનોવેશન પર ૩૩.૬૬ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ ખર્ચ શરૂઆતના અંદાજિત ખર્ચ ૭.૯૧ કરોડ રૂપિયા કરતાં આશરે ૩૪૨% વધુ હતો. અહેવાલ અનુસાર, તેમાંથી આશરે ૧૮.૮૮ કરોડ રૂપિયા મોંઘા ઇન્ટિરિયર, શણગારની વસ્તુઓ અને એન્ટિક સામાન પર ખર્ચવામાં આવ્યા હતા. CAGએ પ્રોજેક્ટમાં નિયમોની અવગણના, ભંડોળના દુરુપયોગ અને ખર્ચમાં ભારે વધારા જેવી અનિયમિતતાઓનો ઉલ્લેખ કર્યો છે.
રિનોવેશનમાં ગેરરીતિ મામલાની CBI તપાસ ચાલું
વર્ષ ૨૦૨૨માં દિલ્હી ગવર્નર વીકે સક્સેનાના નિર્દેશ પર દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગે તેના રિનોવેશનમાં ગેરરીતિઓ અને અંદાજિત કિંમત કરતાં વધુ ખર્ચની તપાસ કરી હતી. આ મામલાની CBI તપાસ પણ ચાલી રહી છે, જેની ફરિયાદ ભાજપના ધારાસભ્ય અને તે સમયના વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કરી હતી.



