અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન્સ સામે અસ્તિત્વની લડાઈઃ મોંઘવારી અને ઈરાન યુદ્ધે વધારી ચિંતા
અમેરિકામાં ૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ પૂર્વે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. વધતી જતી મોંઘવારી, ગેસોલિનના આસમાને પહોંચેલા ભાવ અને ઈરાન સાથેના સંઘર્ષને કારણે તાજેતરના રોઇટર્સ/ઇપ્સોસ સર્વેક્ષણમાં ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ ઘટીને ૩૧% પર આવી ગયું છે, જે તેમના કાર્યકાળનું રેકોર્ડબ્રેક નીચલું સ્તર છે. જાન્યુઆરી ૨૦૨૧માં યુએસ કેપિટલ હિંસા વખતે પણ તેમનું રેટિંગ ૩૪% હતું, જ્યારે પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વે અનુસાર હાલ તેમનું રેટિંગ ઘટીને ૩૦% નોંધાયું છે. કોંગ્રેસની ચૂંટણી અંગેના સર્વેમાં ૪૭% મતદારોએ વિપક્ષ ડેમોક્રેટ્સ તરફ ઝુકાવ દર્શાવ્યો છે, જ્યારે રિપબ્લિકન્સને માત્ર ૩૫% લોકોનું સમર્થન મળ્યું છે. ૧૦ મુખ્ય ઓપિનિયન પોલ્સમાંથી ૯માં રિપબ્લિકન પાર્ટી પાછળ રહી ગઈ છે.
આ અસંતોષ પાછળનું મુખ્ય કારણ આર્થિક સંકટ છે. મૂળભૂત ચીજવસ્તુઓ (દૂધ, ઈંડા, માંસ, શાકભાજી) તેમજ તેલ-ગેસના ભાવમાં ૨૦% થી ૩૦% સુધીનો જંગી વધારો થયો છે. ૭૮% અમેરિકનોનું માનવું છે કે મોંઘવારી તેમની આવક કરતાં વધુ ઝડપથી વધી રહી છે, જ્યારે ૬૫% લોકો આ માટે ટ્રમ્પ સરકારની નીતિઓને જવાબદાર ગણે છે. આ ઉપરાંત, ઈરાન સાથેના સંઘર્ષે લોકોના આક્રોશમાં વધારો કર્યો છે. એનબીસી ન્યૂઝના પોલ અનુસાર માત્ર ૨૯% અમેરિકનો જ યુદ્ધના સંચાલનને સમર્થન આપે છે, જ્યારે ફોક્સ ન્યૂઝના સર્વેમાં ૬૪% લોકોએ તેમની વિદેશ નીતિને ખામીયુક્ત ગણાવી છે. જો ડેમોક્રેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ કે સેનેટમાં બહુમતી મેળવવામાં સફળ રહે છે, તો ટ્રમ્પ માટે પોતાના કાર્યકાળના બાકીના બે વર્ષમાં સરકારી એજન્ડા અને નીતિઓ લાગુ કરવી અત્યંત કઠિન બની જશે. અમેરિકામાં ટ્રમ્પના કામકાજથી ખુશ લોકોની સંખ્યા ઘટી રહી છે. અલગ-અલગ સર્વેમાં માત્ર ૩૦થી ૩૬% લોકો જ તેમના કામથી ખુશ છે. ગઇઈ ન્યૂઝના સર્વેમાં ૩૪% લોકોએ ટ્રમ્પના કામકાજને યોગ્ય ગણાવ્યું. વોશિંગ્ટન પોસ્ટ-અઇઈ ન્યૂઝના સર્વેમાં ૩૩% અને ફોક્સ ન્યૂઝના સર્વેમાં ૩૬% લોકોએ તેમનું સમર્થન કર્યું.
પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેમાં ટ્રમ્પને સૌથી ઓછું એટલે કે 30% લોકોનું સમર્થન મળ્યું. આ આંકડો ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ કરતાં પણ ઓછો છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં તેમનું અપ્રુવલ રેટિંગ સૌથી ઓછું જાન્યુઆરી ૨૦૨૧માં સંસદમાં તોફાનીઓ ઘૂસી આવવાની ઘટના બાદ થઈ હતી. ત્યારે તેમનું રેટિંગ ઘટીને ૩૪% થઈ ગયું હતું. ૨૦૨૪ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પે વચન આપ્યું હતું કે તેઓ મોંઘવારી ઘટાડશે અને લોકોનો ખર્ચ ઓછો કરશે. પરંતુ હવે વધતી કિંમતો તેમની પાર્ટી માટે મુશ્કેલી બની રહી છે. અમેરિકામાં ઈંડાં, દૂધ, બ્રેડ, માંસ અને શાકભાજી જેવી મૂળભૂત વસ્તુઓના ભાવ ૨૦%થી ૩૦% સુધી વધી ગયા છે. ઘરના ભાડાની સરેરાશ કિંમત ૧.૬૦ લાખ રૂપિયા થઈ ગઈ છે, જે અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે. તેલ-ગેસના ભાવમાં લગભગ ૨૦%નો વધારો થયો છે. જોકે લોકોના પગારમાં થોડી વૃદ્ધિ થઈ છે, પરંતુ મોંઘવારીને કારણે તેમને તેનો લાભ મળ્યો નથી.




