દિલ્હી યાદીમાંથી બહાર, બુલંદશહેર ત્રીજા ક્રમે
રિયલ ટાઈમ ડેટામાં દિલ્હીમાં દિવસ દરમિયાન AQI 191થી ઘટીને 130 થયોઃ બાળકો અને વૃદ્ધો માટે જોખમ
- Advertisement -
વિશ્વભરમાં પ્રદૂષણનું સ્તર દર્શાવતા – રિયલ ટાઈમ વૈશ્વિક રેન્કિંગમાં ભારતનું વર્ચસ્વ ફરી એકવાર ચિંતાજનક સ્તરે જોવા મળ્યું છે. તાજેતરના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ડેટા અનુસાર, વિશ્વના ટોપ-૨૦ સૌથી પ્રદૂષિત શહેરો પૈકી ૧૩ શહેરો ભારતના નોંધાયા છે. જોકે, સામાન્ય રીતે દેશમાં સૌથી વધુ પ્રદૂષિત ગણાતી રાજધાની દિલ્હી તે સમયે આ ટોપ-૨૦ યાદીમાંથી બહાર રહી હતી.વિશ્વ સ્તરે પ્રદૂષિત શહેરોની યાદીમાં ઉત્તર પ્રદેશનું બુલંદશહેર ૧૯૮ ના યુએસ AQI રીડિંગ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું, જે અત્યંત અસ્વસ્થ કેટેગરી દર્શાવે છે. જ્યારે ત્રિપુરાનું અગરતલા ૧૮૧ ના AQI સાથે વિશ્વમાં ચોથા ક્રમે નોંધાયું હતું. આ ઉપરાંત ટોપ-૨૦માં સામેલ અન્ય ભારતીય શહેરોમાં મુંબઈ (૧૯૭), હિસાર (૧૯૫), રાજસ્થાનનું પાલી (૧૭૪), મુઝફ્ફરનગર (૧૭૪), મધ્ય પ્રદેશનું બુરહાનપુર (૧૭૪), રોહતક (૧૭૨), કોટા (૧૭૦), હાપુડ (૧૬૬), બીકાનેર (૧૬૫) અને બરેલી (૧૬૪) નો સમાવેશ થાય છે. આ આંકડાઓએ ભારતના આ શહેરોને વિશ્વના સૌથી ઝેરી હવા ધરાવતા શહેરી વિસ્તારોમાં મૂકી દીધા છે.ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા અને મલેશિયાના શહેરો પણ આ યાદીમાં ટોચના ક્રમે રહ્યા હતા. ઈન્ડોનેશિયાના સામ્પિત અને જામ્બી અનુક્રમે ૧૮૦ અને ૧૭૬ AQI સાથે પાંચમા અને છઠ્ઠા ક્રમે રહ્યા હતા, જ્યારે મલેશિયાના કુઆલાલમ્પુર, પુત્રજયા અને પેટલિંગ જયા પણ ટોપ-૨૦માં સામેલ હતા. બીજી તરફ, દિલ્હીમાં હવામાન અને પવનની ગતિના કારણે હવાની ગુણવત્તામાં દિવસ દરમિયાન સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. દિલ્હીમાં મહત્તમ AQI ૧૯૧ સુધી પહોંચ્યા બાદ ઘટીને ૧૩૦ સુધી આવ્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ૧૫૧ થી ૨૦૦ વચ્ચેનો AQI અસ્વસ્થ માનવામાં આવે છે. કોઈ શહેર વૈશ્વિક રેન્કિંગમાં ન હોય તો પણ આવો પ્રદૂષિત વાયુ બાળકો, વરિષ્ઠ નાગરિકો તેમજ શ્વાસ અને હૃદયના દર્દીઓ માટે ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઊભા કરી શકે છે.




