ગ્રાહક સુરક્ષા પંચનો મોટો ચુકાદો
પોલિસી લેતાં પહેલાં રોગની જાણ હતી તે કંપનીએ સાબિત કરવું પડશેઃ ચોલામંડલમ જનરલ ઇન્સ્યોરન્સને ફટકો
- Advertisement -
વરિષ્ઠ નાગરિકને 6 ટકા વ્યાજ સાથે રૂ. 4.71 લાખ ચૂકવવા અને રદ કરાયેલી પોલિસી પુનઃ શરૂ કરવા કોર્ટનો આદેશ
આધુનિક જીવનશૈલી અને સતત તણાવભરી જિંદગીમાં બ્લડ પ્રેશર (બીપી), ડાયાબિટીસ, સાંધાનો દુખાવો કે માથાનો દુખાવો જેવી સામાન્ય વ્યાધિઓને ‘રોગ છુપાવ્યો’ કે પહેલેથી હયાત બીમારી (પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ) ગણીને મેડિક્લેમ ફગાવી શકાય નહીં. સેન્ટ્રલ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે વીમા કંપનીઓની મનમાની પર લાલ આંખ કરતાં એક વરિષ્ઠ નાગરિકની તરફેણમાં આ સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. આયોગના અધ્યક્ષ દિવ્યા જ્યોતિ જયપુરીયાર અને સભ્ય ડો. રશ્મિ બંસલની પીઠે સ્પષ્ટ કર્યું છે કે વીમા કંપનીએ પુરાવા સાથે સાબિત કરવું પડશે કે ગ્રાહકને પોલિસી લેતાં પહેલાં આ બીમારી હોવાની ચોક્કસ માહિતી હતી અને તેણે જાણીજોઈને તે છુપાવી હતી.
સમગ્ર કેસની વિગત મુજબ, દિલ્હીના રોહિણી વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય યશપાલ બહલે ૨૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ચોલામંડલમ એમએસ જનરલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી પોતાનો અને પત્નીનો રૂ.૭.૫૦ લાખનો ગ્રૂપ હેલ્થ ઈન્સ્યોરન્સ લીધો હતો, જેના માટે તેઓ નિયમિત વાર્ષિક રૂ.૧૭,૮૯૫નું પ્રીમિયમ ભરતા હતા. વર્ષ ર૦૨૧માં ૨૦ થી ૨૩ જુલાઈ દરમિયાન સારવાર પાછળ રૂ.૪,૧૫,૩૩૨ અને ત્યારબાદ ૨૫-૨૬ જુલાઈના રોજ વધુ રૂ.૫૫,૬૭૩નો ખર્ચ થયો હતો. દર્દીએ આ સારવાર પેટે કુલ રૂ.૪.૭૧ લાખનો ક્લેમ રજૂ કર્યો હતો. જોકે, વીમા કંપનીએ “પહેલેથી હયાત બીમારી છુપાવી હોવાનું’ વાહિયાત કારણ આગળ ધરી ૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ ક્લેમ ફગાવી દીધો હતો અને ત્યારબાદ ૧૨ નવેમ્બર ૨૦૨૧ના રોજ પોલિસી પણ એકતરફી રદ કરી દીધી હતી. આ અન્યાય સામે ગ્રાહકે ગ્રાહક અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આયોગે વીમા કંપનીની કાર્યવાહીને તદ્દન અયોગ્ય અને સેવાઓમાં ગંભીર ખામી સમાન ગણાવી હતી. આયોગે ચોલામંડલમ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો હતો કે ફરિયાદીને રૂ.૪.૭૧ લાખનો ક્લેમ ૬ ટકા વ્યાજ સાથે ચૂકવવામાં આવે. આ ઉપરાંત માનસિક ત્રાસ બદલ રૂ. ૨૫,૦૦૦ અને કેસ લડવાના ખર્ચ પેટે રૂ.૧૫,૦૦૦ અલગથી ચૂકવવા તેમજ રદ કરાયેલી પોલિસીને પુનઃ માન્ય રાખવા હુકમ કર્યો છે.



