બે ડોઝમાં તો 80% સુરક્ષાનો દાવો!
ભારતમાં ડેન્ગ્યુથી બચાવ માટે પ્રથમ વખત વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તમિલનાડુના તેનકાસી જિલ્લાના કડયનલ્લુર ખાતે પાયલટ પ્રોજેક્ટ તરીકે આ અભિયાન શરૂ થયું છે. આ અભિયાનની શરૂઆત બાદ સ્વાસ્થ્ય મંત્રી કે.જી. અરુણરાજે જણાવ્યું કે વેક્સિનના બે ડોઝ ત્રણ મહિનાના ગેપ પર આપવામાં આવશે. આ વેક્સિનથી ડેન્ગ્યુ સામે ૮૦% સુધી સુરક્ષા મળી શકે છે. આ વેક્સિન ડેન્ગ્યુના ગંભીર લક્ષણોથી રક્ષણ કરે છે.
એક અહેવાલ પ્રમાણે હાલમાં આ અભિયાન પાયલટ પ્રોજેક્ટ જ છે. મોટા લેવલે હજુ વેક્સિનેશન નહીં થશે. આ પ્રોજેક્ટના આધારે આગળનો વેક્સિનેશન કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. હવે વેક્સિન સાથે જોડાયેલી આ જાહેરાતને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે અને વેક્સિન કઈ રીતે કામ કરે છે.
ડેન્ગ્યુ એક વાયરલ સંક્રમણ છે, જે સંક્રમિત એડીઝ એજિપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ થવા પર વધુ તાવ, માથાનો દુઃખાવો, આંખો પાછળ દુઃખાવો થાય છે. કેટલાક દર્દીઓમાં ડેન્ગ્યુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. જેનાથી શરીરમાં પ્લેટલેટ્સ ઘટવા લાગે છે. ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ પણ થાય છે, જે મૃત્યુનું કારણ બની શકે છે. ભારતમાં દર વર્ષે ડેન્ગ્યુના કેસ આવે છે. કેટલાક લોકોના મૃત્યુ પણ થાય છે. અત્યાર સુધી તેનાથી બચવા માટે કોઈ વેક્સિન નહોતી, પરંતુ થોડા મહિનાઓ પહેલા ભારતમાં જાપાની કંપની ટાકેડાની Qdenga વેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી.



