ટાઈગર શ્રોફ પર ફાયરિંગના આરોપી નેપાળ ભાગી જવાના હતાઃ રાજસ્થાન પોલીસે કોટા રેલવે સ્ટેશન પર જ પકડી લીધા, એક બિહારનો અને બે હરિયાણાના યુવક
મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ગોળીબારના મામલે રાજસ્થાન પોલીસે સોમવારે સવારે ૧૦:૩૦ વાગ્યે ત્રણ આરોપીઓને કોટા રેલવે સ્ટેશન પર પુણે-જયપુર એક્સપ્રેસમાંથી ઉતરતાની સાથે જ કસ્ટડીમાં લીધા.
કોટાના એસપી તેજસ્વિની ગૌતમે જણાવ્યું, ‘ઘટના બાદ ત્રણેય મુંબઈથી જયપુર અને દિલ્હી થઈને નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ કોટા પોલીસે માત્ર ૧૫ મિનિટમાં ટ્રેનની તપાસ
કરીને ત્રણેયને પકડી લીધા.’ રાજસ્થાન પોલીસે જણાવ્યું કે તેમને લોરેન્સ ગેંગના અનિલ પંડિતે કોન્ટ્રેક્ટ આપ્યો હતો. ૩ શંકાસ્પદોમાંથી ૨ હરિયાણાના અને એક બિહારનો રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે તેમાંથી બેએ
ગોળીબાર કર્યો હતો. ટાઈગરને ગોળી વાગી નહોતી, પરંતુ તેમના ડાબા હાથમાં ગનપાઉડર અને કાચના ટુકડાઓથી ઈજા થઈ છે. ગોળીબારમાં તેમના ડ્રાઈવરને પણ ઈજા થઈ. ટાઈગરની કાર પર સાંજે ૭ વાગ્યે ૩ લોકોએ
ગોળીબાર કર્યો હતો. તેની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે. ૪ વર્ષમાં સલમાન ખાન સહિત ૮ સેલિબ્રિટીઝ પર હુમલો થઈ ચૂક્યો છે.



