ઓઈલ ટેન્કર પર હુમલા વચ્ચે 5 ભારતીયોનો આબાદ બચાવ
8 મહિના પહેલાં 11 ભારતીય નાવિકોના મોત બાદ મોટી હોનારત ટળી
- Advertisement -
હોર્મુઝ જળસંધિમાં શુક્રવારે એક જહાજ પર મિસાઇલ હુમલો થયો હતો. આ જહાજમાં ૫ ભારતીયો સવાર હતા. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે શનિવારે જણાવ્યું કે પાંચેય ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ નાવિકો કુવૈતના ધ્વજવાળા ટેન્કર એમટી કાજિમાહ ઈંઈંઈં પર સવાર હતા. આ જહાજ ક્રુડ ઓઇલથી ભરેલું હતું અને આફ્રિકા તરફ જઈ રહ્યું હતું. જોકે, આ હુમલો કોણે કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. ફેબ્રુઆરીથી અત્યાર સુધી હોર્મુઝમાં થયેલા હુમલાઓમાં ૧૦૦થી વધુ ભારતીય નાવિકો પ્રભાવિત થઈ ચૂક્યા છે. જ્યારે, આ હુમલાઓમાં ૧૧ ભારતીય નાવિકોના મોત થયા છે.
ખાડી ક્ષેત્રમાં જહાજો પર 4500 ભારતીય નાવિક
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ મંગળવારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચાલી રહેલા વ્યાવસાયિક જહાજો પર ૪૫૦૦થી વધુ ભારતીય નાવિકો સવાર છે. જયસ્વાલના જણાવ્યા અનુસાર, હાલમાં ફારસની ખાડીમાં ભારતના ધ્વજવાળા ૬ વ્યાવસાયિક જહાજો છે. આ ઉપરાંત ૬ વિદેશી ધ્વજવાળા જહાજો પણ છે, જે ભારત માટે સામાન લઈને જઈ રહ્યા છે. આ ૧૨ જહાજો પર આશરે ૧૬૩ ભારતીય નાવિકો સવાર છે. જયસ્વાલના જણાવ્યા અનુસાર, ભારતનું શિપિંગ મંત્રાલય આ જહાજોની અવરજવર પર નજર રાખી રહ્યું છે. ભારતીય દૂતાવાસો અને સ્થાનિક એજન્સીઓ સાથે મળીને નાવિકોની સુરક્ષા અને તેમની સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જરૂર પડ્યે ભારતીય દૂતાવાસો નાવિકોની સુરક્ષા અને સુખાકારી માટે જરૂરી પગલાં લે છે. તેમણે કહ્યું કે વિદેશમાં કામ કરી રહેલા ભારતીય નાવિકોની સુરક્ષા અને તેમની સુરક્ષા ભારતની પ્રાથમિકતા છે.




