50 લાખ બેરલ તેલ આપતી ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન બંધ, પમ્પિંગ સ્ટેશનો ભડકે બળ્યાં
સાઉદી અરેબિયાએ ડ્રોન હુમલા બાદ પોતાની ઈસ્ટ-વેસ્ટ તેલ પાઈપલાઈન બંધ કરી દીધી છે. ગુરુવારે થયેલા ડ્રોન હુમલામાં પાઈપલાઈન સાથે જોડાયેલા પમ્પિંગ સ્ટેશનોમાં આગ લાગી ગઈ અને કેટલાક લોકો ઘાયલ થયા.
ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ બંધ થયા બાદ સાઉદી આ જ પાઈપલાઈનથી રોજ લગભગ ૫૦ લાખ બેરલ તેલ મોકલી રહ્યું હતું. સાઉદી ઉર્જા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે પાઈપલાઈન પર ગુરુવારે ઘણા હુમલા થયા હતા. મંત્રાલયની ટીમો પાઈપલાઈનને સુરક્ષિત કરવા અને નુકસાનનો અંદાજ લગાવવામાં વ્યસ્ત છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ હુમલા કોણે કર્યા. અત્યાર સુધી કોઈ પણ દેશ કે સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. અમેરિકી અધિકારીઓ અનુસાર, હુમલામાં પાઈપલાઈન નજીક બનેલા પમ્પિંગ સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યા. પમ્પિંગ સ્ટેશનો પાઈપલાઈનમાં તેલને આગળ મોકલવામાં મદદ કરે છે. શુક્રવારે લેવાયેલી સેટેલાઈટ તસવીરમાં એક પમ્પિંગ સ્ટેશન પર આગથી ઘણું નુકસાન જોવા મળ્યું. એક બીજી તસવીરમાં સ્ટેશનમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાયો. હજુ એ સ્પષ્ટ નથી કે પાઈપલાઈનને સીધું કેટલું નુકસાન થયું છે. એ પણ ખબર નથી કે પાઇપલાઇન ફરી ક્યારે શરૂ થશે.
- Advertisement -
ઇરાકથી આવ્યા હતા ડ્રોનઃ સાઉદીનો દાવો
સાઉદી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે રિયાદ અને મદીના વિસ્તારોમાં પાઇપલાઇન પર ઘણા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો. સાઉદી અનુસાર, આ ડ્રોન ઇરાકથી આવ્યા હતા. સાઉદીએ કહ્યું કે ઇરાકના વડાપ્રધાનના કહેવા પર તેણે હાલ પૂરતો વળતો હુમલો ન કરવાનો નિર્ણય કર્યો છે. સાઉદી ઇચ્છે છે કે ઇરાક પહેલા પોતાની જમીન પરથી થતા આવા હુમલાઓને રોકવા માટે કાર્યવાહી કરે. ઇરાકે પણ હુમલાની નિંદા કરી છે. ઇરાકી સરકારે જણાવ્યું કે તે આ મામલાની તપાસ કરશે અને પોતાની જમીન કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ અન્ય દેશો પર હુમલો કરવા માટે થવા દેશે નહીં.




