ભારત મંડપમમાં બિક્સ સમિટનો શંખનાદ
વડાપ્રધાન મોદી સાથે પુતિન, જિનપિંગ, પેઝેશ્ચિયન, રામાફોસા સહિતના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક-દ્વિપક્ષીય મંત્રણાઓમાં અનેક સમજૂતી કરાર થશે
- Advertisement -
ભારતના આંગણે આજે ૧૮મી બ્રિક્સ સમિટનો શંખનાદ થયો છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાઈ રહેલી આ બે દિવસીય સમિટમાં વિશ્વની મોટી ઊભરતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એક મંચ પર આવી રહ્યા છે. ભારત આ વર્ષે બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે અને સમિટની થીમ Building for Resilience, Innovation, Cooperation and Sustainability’ રાખવામાં આવી છે.
સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો અને ઈથોપિયાના વડાપ્રધાન અબી અહમદ સહિતના દિગ્ગજ નેતાઓ હાજરી આપી રહ્યા છે. UAE તરફથી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ ભાગ લઈ રહ્યા છે. બ્રાઝિલનું પ્રતિનિધિત્વ વડાપ્રધાન નહીં પરંતુ વિદેશમંત્રી માઉરો વિએરા કરશે. આજના પ્રથમ તબક્કામાં બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ વચ્ચે બંધ બારણે ‘સમાવેશી વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતાને મજબૂત બનાવવાની’ ચર્ચા થશે. ત્યારબાદ ભારત મંડપમ ખાતે ‘ભારત ઇનોવેટ્સ’ પ્રદર્શનની મુલાકાત, સંયુક્ત વૃક્ષારોપણ અને વડાપ્રધાન મોદી દ્વારા આયોજિત ગાલા ડિનરનું આયોજન છે. સમિટની સાથે મોદી વિવિધ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે, જેમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથેની મુલાકાતને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
વિશ્વ હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ઈરાનને કેન્દ્રમાં રાખીને મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ, વૈશ્વિક વેપારની અનિશ્ચિતતા અને ઊર્જા સુરક્ષા જેવા પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. એવા સમયે બ્રિક્સ સમિટમાં વૈશ્વિક શાસન, વેપાર-રોકાણ, ઊર્જા અને ખાદ્ય સુરક્ષા, ટેક્નોલોજી, સપ્લાય ચેઇન તથા બહુપક્ષીય વ્યવસ્થામાં સુધારા જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. ભારત માટે આ સમિટ માત્ર વૈશ્વિક નેતાઓના મિલનનું સ્થળ નથી, પરંતુ બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં પોતાની ભૂમિકા વધુ મજબૂત કરવાની મહત્વપૂર્ણ તક પણ બની છે.




