ગુરૂવારે સાજે ધીમી ધારે વરસાદી ઝાપટાં, રાત્રે 12 વાગ્યા બાદ ધોધમાર વરસાદ
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, કાલાવડ રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં ફાયર વિભાગ દોડ્યું
- Advertisement -
દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ બાદ હવે મેઘરાજાએ સૌરાષ્ટ્ર તરફ વળીને રાજકોટ શહેરને ધમરોળ્યું છે. ગઈકાલે સાંજથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને શરૂઆતમાં ધીમી ધારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જોકે મોડી રાત્રે 12 વાગ્યા બાદ વરસાદે અચાનક જ જોર પકડતાં શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરિણામે આજે વહેલી સવાર સુધીમાં રાજકોટ શહેરમાં સરેરાશ 60 મી.મી., એટલે કે આશરે બે ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. આખી રાત વરસેલા વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ પાર્ક કરાયેલા વાહનો પાણીમાં અડધા સુધી ગરકાવ થઈ ગયા હતા, જ્યારે સવારના સમયે નોકરી-ધંધે જતાં લોકોને પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ત્રણેય ઝોનમાં લગભગ સમાન પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ ઝોનમાં 58 મી.મી., સેન્ટ્રલ ઝોનમાં 56 મી.મી. અને પૂર્વ ઝોનમાં 52 મી.મી. વરસાદ નોંધાતા સમગ્ર શહેરમાં વરસાદની અસર એકસરખી જોવા મળી હતી. મધરાત બાદ પડેલા ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલમાં વિલંબ થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક રહેણાંક વિસ્તારોમાં ઘરોની બહાર પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી.
ભારે વરસાદની સાથે ફૂંકાયેલા પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. આજે સવારે આશરે 8:50 વાગ્યે કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલ સામે સૃષ્ટિ એપાર્ટમેન્ટ નજીક એક મોટું વૃક્ષ રસ્તા પર પડી જતાં વાહનવ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ કંટ્રોલ રૂમને થતા જ કાલાવડ રોડ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષ હટાવી રસ્તો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગ તેમજ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરભરમાં વરસાદના કારણે પડેલા વૃક્ષો દૂર કરવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
વીરપુરમાં તેલ હોકરા નદીના પૂરમાં કાર તણાઈ
રાજકોટ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં ગત રાતથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે તેલ હોકરા નદીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ ગોંડલ-જેતપુર નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈને વીરપુર જતા રસ્તે બન્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારમાં બે વ્યક્તિઓ સવાર હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ જેતપુર ફાયર વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પૂરમાં તણાયેલી કાર તેમજ સવાર લોકોની શોધખોળ હાથ ધરી છે.
જેતપુર-રાજકોટ હાઇ-વે પર ટ્રક રોડના ખાડામાં ફસાઈ જતાં ટ્રાફિકજામ
યાત્રાધામ વીરપુર પાસે જેતપુર-રાજકોટ સિક્સલેનના કામ દરમિયાન હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે એક ટ્રક રોડના ખાડામાં ફસાઈ જતાં વાહનચાલકો પરેશાન થયા હતા અને નેશનલ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
ST ના 35 રૂટ રદ કરાયા
દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે એસ.ટી. બસ વ્યવહારને ભારે અસર પહોંચી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા દક્ષિણ ગુજરાત તરફ જતા 35 જેટલા એસ.ટી. બસના રૂટ બંધ કરવાની ફરજ પડી છે.
રાજકોટ ડિવિઝનની દુરંતો, હમસફર સહિતની ટ્રેન રદકરાઈ
રાજકોટ ડિવિઝનની ટ્રેન નં. 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો (24 જુલાઈ), ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર (24 જુલાઈ) અને ટ્રેન નં. 20910 પોરબંદર-કોચુવેલી (23 જુલાઈ) રદ કરાઈ છે. ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ અને ટ્રેન નં. 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ માત્ર અમદાવાદ સુધી જ દોડશે.
આજી-2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા તેમજ ખીરસરા પંથકમાં મોડી રાત્રે પડેલા મુશળધાર વરસાદથી સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે, જેનાથી કપાસ અને મગફળી સહિતના પાકોને નવજીવન મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. બીજી તરફ, રાજકોટ શહેરમાં રાત્રિ દરમિયાન સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાતાં સિઝનનો કુલ વરસાદ 8.60 ઇંચે પહોંચ્યો છે. ભારે પાણીની આવકના લીધે આજી-2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી પડધરી તાલુકાના 10 ગામોને સાવચેત કરાયા છે. આ ઉપરાંત, જેતપુર પાસેનો સુરવો ડેમ 80 ટકા ભરાઈ જતાં નીચાણવાળા થાણા ગાલોળ, ખીરસરા અને ખજુરી ગુંદાળા ગામોને એલર્ટ કરી નદીના પટમાં ન જવાની ખાસ તાકીદ કરવામાં આવી છે.




