સુરતની ગંભીર સ્થિતિ બાદ રાજકોટ મનપા જાગ્યું
પાણી ભરાતા 93 વિસ્તારમાંથી 49 ગ્રીન, 39 યલો અને 5 વિસ્તાર રેડ ઝોનમાં : ચાલુ વરસાદમાં પણ સ્ટાફ ખડેપગે રહેશે
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
ચોમાસાની શરૂઆત થતાંની સાથે સ્માર્ટસિટી રાજકોટના શહેરીજનો માટે ભાંગેલા રોડ-રસ્તા અને રબડીરાજની માથાના દુખાવારૂપ ગંભીર સમસ્યાઓ દર વર્ષની જેમ શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે સુરતની પાણી ભરાવાની ગંભીર સ્થિતિ અને તકલીફોને જોયા બાદ આખરે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર વહેલું જાગ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. ભારે વરસાદની સ્થિતિમાં શહેરના 93 જેટલા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા દર વખતે શહેરીજનોને બાનમાં લે છે.
મહાનગરપાલિકાના અનુભવી અધિકારીઓ અને ઇજનેરોના યોગ્ય આયોજનના અભાવને કારણે ભૂતકાળમાં આ વિસ્તારોમાં અડધા કલાકથી માંડીને બે કલાક સુધી પાણીનો નિકાલ થતો ન હતો. આ વખતે તંત્રએ આળસ ખંખેરીને પ્રિમોન્સુન કામગીરી હેઠળ આવા 93 વિસ્તારોને આઇડેન્ટિફાઇ કર્યા છે અને તેના કાયમી ઉકેલ માટે કમર કસી છે.
- Advertisement -
મહાનગરપાલિકા દ્વારા આ તમામ 93 અસરગ્રસ્ત વિસ્તારોને વરસાદી પાણીના નિકાલની સમયમર્યાદાના આધારે વૈજ્ઞાનિક ઢબે ત્રણ કેટેગરી એટલે કે ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ અડધા કલાકમાં પાણીનો કુદરતી રીતે નિકાલ થઈ જાય છે તેને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે, જેની સંખ્યા 49 છે. જ્યારે વરસાદ બંધ થયા બાદ એક કલાક સુધી પાણી ભરાયેલું રહે છે તેવા 39 વિસ્તારોને યલો ઝોનમાં મૂકી ત્યાં વિશેષ તકેદારી રાખવાનું નક્કી કરાયું છે. આ સિવાય જ્યાં વરસાદ બંધ થયા બાદ ઓછામાં ઓછા બે કલાક કે તેથી વધુ સમય સુધી પૂર જેવી સ્થિતિ રહે છે અને પાણી ઓસરતું નથી, તેવા પાંચ સૌથી સંવેદનશીલ વિસ્તારોને રેડ ઝોન હેઠળ આવરી લેવાયા છે.
તંત્ર દ્વારા ગ્રીન ઝોન હેઠળ આઇડેન્ટિફાઇ કરાયેલા 49 વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપભેર નિકાલ થતો હોવાથી ત્યાં સામાન્ય નજર રાખવામાં આવશે. આ વિસ્તારોમાં વોર્ડ 1માં 3, વોર્ડ 2માં 2, વોર્ડ 3માં 1, વોર્ડ 4માં 7, વોર્ડ 5માં 4, વોર્ડ 7માં 4, વોર્ડ 8માં 10, વોર્ડ 11માં 3, વોર્ડ 12માં 7 અને વોર્ડ 18માં 7 વિસ્તારોનો સમાવેશ થાય છે. બીજી તરફ, યલો ઝોનના 39 વિસ્તારો એવા છે જ્યાં મનપાએ વધુ તકેદારી રાખવી પડશે. આમાં વોર્ડ 7માં સદર પેટ્રોલ પંપ પાસે નીચાણવાળો વિસ્તાર હોવાથી અને વોર્ડ 10માં પુષ્કરધામ મેઇન રોડ પર કેવલમ રેસિડન્સી આવાસ યોજના પાસે ખાનગી પ્લોટના કારણે પાણી ભરાય છે, જ્યાં ખાસ પાઇપલાઇન કે ચરેડો કરીને રસ્તા પર પાણીનો નિકાલ કરવાની નોબત આવે છે.
આ સમગ્ર સમસ્યા પાછળ માત્ર કુદરતી પરિબળો જ નહીં, પરંતુ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના નાના-મોટા વોંકળાની નિયમિત અને સઘન સફાઈનો અભાવ પણ જવાબદાર છે. વાવડી ગામતળ અને વિશ્વકર્મા સોસાયટી મેઇન રોડ જેવા વિસ્તારોમાં વોંકળા વધુ હોવાથી ફરિયાદોનો અંબાર લાગે છે. તેની સામે શહેરીજનો પણ જાગૃત ન હોય તેમ વોંકળામાં આડેધડ કચરો ફેંકતા હોવાથી તમામ વોંકળાઓમાં કાયમ કચરો જમા રહે છે અને પાણીનો પ્રવાહ રુંધાય છે. જોકે, આ વખતે સુરતની સ્થિતિમાંથી પાઠ ભણીને મનપાએ પાણીના નિકાલ માટે અનેક વિસ્તારોમાં 600થી લઈને 900 ડાયામીટરની સ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇન પણ બિછાવી દીધી છે.
મોનિટરિંગ માટે વોર્ડના જવાબદાર કર્મચારીઓથી લઈને સિટી એન્જિનિયરો સુધીની જવાબદાર
આ ચોમાસામાં શહેરીજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મનપાનો સ્ટાફ સંપૂર્ણપણે ખડેપગે અને એલર્ટ મોડ પર રહેશે. વિસ્તારોની ગંભીરતા અને ઝોન મુજબ ખાસ કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી ક્યાંય પણ કચરો ફસાવાના કારણે પાણી ભરાય તો તેને તુરંત દૂર કરી શકાય. આ કામગીરીના ચોક્કસ મોનિટરિંગ માટે વોર્ડના જવાબદાર કર્મચારીઓથી લઈને સીધા સિટી એન્જિનિયરો સુધીની એક મજબૂત કડી અને ટીમ તૈયાર કરવામાં આવી છે, જે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરશે. તેમજ સુરત જેવી આફત રાજકોટમાં ન સર્જાય તે માટે કોર્પોરેશનના તમામ કર્મચારીઓને ખાસ ફરજમાં જોડી દેવામાં આવ્યા છે. ત્યારે હવે ભારે વરસાદમાં રાજકોટમાં પાણી ભરાય છે કે નહીં તે જોવું રહ્યું.
નવો વોટરવે બનાવવા માટે રેલવે વિભાગ પાસેથી મંજૂરી અટકેલી
શહેરના પાંચ વિસ્તારોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, જ્યાં 4 ઇંચથી વધુ વરસાદ પડે ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર બને છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડે છે. આ વિસ્તારોમાં વોર્ડ 3નું પોપટપરા નાળું અને હંસરાજનગર વોંકળો શામેલ છે, જ્યાં રેલવે ટ્રેક નીચે નવો વોટરવે બનાવવા માટે રેલવે વિભાગ પાસે મંજૂરી અટકેલી છે. આ ઉપરાંત વોર્ડ 5નો શિવનગર મણીનગર મેઇન રોડ, વોર્ડ 15નો 80 ફૂટ રોડ સત્યમ પાર્ક, વોર્ડ 2નો નહેરૂ નગર-1 આઝાદ ચોક તેમજ વોર્ડ 14ની લલુડી વોંકળીનો સમાવેશ થાય છે. લલુડી વોંકળીનો વિસ્તાર સ્લમ અને અત્યંત નીચાણવાળો હોવાથી જ્યાં સુધી આજી નદીનું જળસ્તર ન ઘટે ત્યાં સુધી પાણી ઓસરતું નથી.




