સ્થળ પરથી પાંસળીના ટુકડા-અડધુ ખાધેલું માથું મળ્યું : વતન જવા નીકળેલો યુવક કાળનો કોળિયો બન્યો
અહીં કુતરાની જેમ સિંહ રખડે છે, હાલમાં પણ ગેટ પાસે ૮ સિંહ બેઠાં છે : સ્થાનીક
- Advertisement -
ગુજરાતના સિંહોના વસવાટ ધરાવતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી હતી. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો
શિકાર બનાવ્યો હતો. આ હિંસક આક્રમણમાં સિંહ યુવકનું આખું શરીર ખાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા. જેને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની ગંભીરતાને જોતા એસીએફ દ્વારા રાજુલા રેન્જની સાથે જાફરાબાદ રેન્જન પણ મદદ માટે બોલાવવામાં આવી છે. શરીરના બચી ગયેલા અવશેષોને હોસ્પિટલ ખસેડાઈ આખો વિસ્તાર સ્કેનિંગ કર્યો છે. હાલમાં હુમલાના નજીકના વિસ્તામાંથી બે સિંહને પાંજરે પુરી દીધા છે. હજુ 2 સિંહ પાંજરે પુરવા માટેની કામગીરી ચાલી રહી છે. જે સિંહે શિકાર કર્યો હશે તે ઊલ્ટી કરશે તેના પણ સેમ્પલ લેવાશે. અને ત્યાર બાદ નક્કી થશે કે કયા સિંહે શિકાર કર્યો હતો.
મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલી સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો. સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા.
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વનવિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાનગી કંપનીના કર્મચારી અમરુભાઈ વાઘે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, અહીં આસપાસ પાંચ-સાત કંપની આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કુતરાની જેમ આંટા મારતા હોય છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડે છે. જો કોઈની પાસે ફોર-વ્હીલર ગાડી હોય તો જ તે સુરક્ષિત છે, બાકી ટુ-વ્હીલર પર કે પગપાળા જતાં લોકો માટે કોઈ સેફ્ટી નથી. વનવિભાગ આ બાબતે તાત્કાલિક એક્શન લે અને લોકોની સુરક્ષા માટે વનકર્મીઓ તહેનાત કરે તે જરૂરી છે. વિસ્તારમાં વન્યજીવોની અવરજવર અંગે પૂછતાં તેમણે ઉમેર્યું કે, અહીં સિંહોની અવરજવર સતત ચાલુ જ રહે છે. દિવસે કે રાતે ગમે ત્યારે સિંહો જોવા મળે છે. અત્યારની જ વાત કરીએ તો, કંપનીના ગેટની બિલકુલ આગળ જ આઠ સિંહ બેઠા છે.




