રાજકોટમાં મહિલા પોલીસ કર્મચારીઓ માટે આરોગ્ય જાગૃતિનો અનોખો કાર્યક્રમ
એચ.પી.વી. રસીકરણ, સર્વાઈકલ અને બ્રેસ્ટ કેન્સર અંગે વિશેષ માર્ગદર્શન અપાયું
- Advertisement -
પેપસ્મિયર ટેસ્ટ અને મેમોગ્રાફી ટેસ્ટ જેવી મહત્ત્વપૂર્ણ સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમાજની સુરક્ષા માટે દિવસ-રાત ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓના આરોગ્યને કેન્દ્રમાં રાખી રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા એક વિશેષ આરોગ્ય જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ પોલીસ તંત્ર અને પી.ડી.યુ. મેડિકલ કોલેજના સહયોગથી યોજાયેલા આ સેમીનારમાં સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ માટે એચ.પી.વી. (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ, બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ, પેપ સ્મીયર ટેસ્ટ અને મેમોગ્રાફી ટેસ્ટ જેવી મહત્વપૂર્ણ સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટીના પ્રમુખ જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડો. દર્શનાબેન પંડ્યા અને સેક્રેટરી ડો. ફોરમ તન્નાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, સમાજ માટે સતત કાર્યરત મહિલા પોલીસ કર્મચારીઓમાં આરોગ્ય જાગૃતિ વધે અને ગંભીર બિમારીઓ સામે સમયસર નિદાન થઈ શકે તે હેતુથી આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટના ડી.સી.પી. હેતલબેન પટેલે સેમીનારને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલાઓ માટે સર્વાઈકલ કેન્સર સામે બચાવ માટે એચ.પી.વી. રસીકરણ અત્યંત મહત્વપૂર્ણ છે. દેશના વડાપ્રધાન દ્વારા પણ આ માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ કર્મચારીઓ માટે આ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. તેમણે જણાવ્યું હતું કે મહિલા પોલીસ કર્મચારીઓ પરિવારની જવાબદારી સાથે શહેરની સુરક્ષા માટે સતત ફરજ બજાવતા હોય છે. આવી સ્થિતિમાં તેમની તંદુરસ્તી જળવાઈ રહે અને ગંભીર બિમારીઓથી બચી શકે તે માટે સમયાંતરે આરોગ્ય ચકાસણી અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. ડી.સી.પી. હેતલબેન પટેલે દરેક મહિલાઓને દર વર્ષે નિયમિત ચેકઅપ કરાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગર્ભાશયના મુખમાં કેન્સરના કોષો ક્યારે વિકસે તે નક્કી ન હોય, પરંતુ વહેલી તકે નિદાન થઈ જાય તો સારવાર સરળ
બને છે.
સેમીનારમાં રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટીના પ્રમુખ ડો. દર્શનાબેન પંડયાએ સર્વાઈકલ કેન્સર અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાયનેકોલોજીસ્ટ તબીબોના રાષ્ટ્રીય સંગઠન ‘ફોગસી’ દ્વારા દેશવ્યાપી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મહિલાઓમાં એચ.પી.વી. રસીકરણ અંગે જાગૃતિ વધે અને વધુમાં વધુ મહિલાઓ તેનો લાભ લઈ શકે તે માટે રાજકોટ પોલીસ તંત્રના સહયોગથી આ વિશેષ સેમીનાર યોજાયો હતો. 9થી 14 વર્ષની વયજૂથમાં છ મહિનાના અંતરે બે ડોઝ આપવામાં આવે છે, જ્યારે 15 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ત્રણ ડોઝ આપવામાં આવે છે. નાની ઉંમરે રસીકરણ કરાવવાથી એચ.પી.વી. સંબંધીત કેન્સર સામે વહેલું રક્ષણ મળી શકે છે.
સેમીનારમાં બ્રેસ્ટ કેન્સર અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓ પોતાની જાતે કેવી રીતે નિયમિત રીતે સ્તનની તપાસ કરી શકે અને પ્રાથમિક લક્ષણો ઓળખી શકે તે અંગે નિષ્ણાત તબીબોએ પ્રાયોગિક સમજણ આપી હતી. બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામીનેશન અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરીયાતવાળી મહિલાઓના મેમોગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.
આ સેમીનારમાં ડો. દર્શનાબેન પંડયાએ એચ.પી.વી. વેક્સીન અને તેના ડોઝ વિશે, ડો. લતા જેઠવાણીએ પેપ ટેસ્ટમાં અદ્યતન શોધ વિશે, ડો. રાધીકા જાવીયાએ કેરવીક્સ વિશે અને ડો. અશ્વીની જસાણીએ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામીનેશન અંગે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન 50થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓના પેપ સ્મીયર ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે 150થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓએ સેમીનારમાં હાજરી આપી આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટીની તબીબોની વિશાળ ટીમ કાર્યરત રહી હતી. જેમાં ડો. દર્શના પંડયા, ડો. શૈલી મોદી, ડો. કિંજલ કાનાણી, ડો. કૃપાલી ભાલારા, ડો. લતા જેઠવાણી, ડો. મોનાલી માકડીયા, ડો. ગૌરવી ધ્રુવા, ડો. શ્વેતા મહેતા, ડો. બીના ભટ્ટ, ડો. અશ્વીની જસાણી, ડો. રાધીકા જાવીયા, ડો. ફોરમ તન્ના, ડો. નિલય ત્રિવેદી, ડો. શૈલી ગજેરા, ડો. કમલ ગોસ્વામી, ડો. નિરજ જાદવ, ડો. જીજ્ઞા ગણાત્રા, ડો. રુંજન જૈન દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓને યોગ્ય માહિતી આપવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ કમીશનર બ્રિઝેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ડી.સી.પી. હેતલબેન પટેલ અને તેમની ટીમ તથા પી.ડી.યુ. મેડિકલ કોલેજનો સારો સહયોગ મળ્યો હતો.
આ સેમીનારના આયોજન માટે રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેક સોસાયટીના પ્રમુખ ડો. દર્શનાબેન પંડ્યા, સેક્રેટરી ડો. ફોરમ તન્ના, નેશનલ વાઈસ પ્રેસીડન્ટ ડો. નિરજ જાદવ, આઈ.પી.પી. ડો. જીજ્ઞા મણાત્રા, પ્રેસીડન્ટ ઈલેક્ટ ડો. હેતલ મોઢા, ઉપપ્રમુખ ડો. રાધીકા જાવીયા, જોઈન્ટ સેક્રેટરી ડો. કિંજલ કાનાણી, ડો. જય પંડયા, ટ્રેઝરર ડો. પ્રકાશ પરમાર, એડીટર ડો. શ્વેતા ત્રિવેદી, એક્ઝીક્યુટીવ કમીટીના ડો. પ્રકાશ મદાણી, ડો. નિલા રંગાણી, ડો. રૂંજુન જૈન, ડો. શૈલી ગજેરા, ડો. બ્રિન્દા બરચ્છા, ડો. અજય ચરણ, ડો. કૃપાલી ભાલારા, ડો. શૈલી મોદી, કો.ઓપ્ટ. મેમ્બર ડો. બિના ભટ્ટ, ડો. હેતસ્વી કાકડીયા, સીનીયર ગાયનેકોલોજીસ્ટ ડો. કુંતલ જાડેજા, ડો. વર્ષા ધ્રુવ, ડો. ધીરેન તળાવીયા, ડો. મનિયા મોટેરીયા, ડો. હિના પોપટ, ડો. લતા જેઠવાણી, ડો. અમી મહેતા, ડો. સંજય દેસાઈ એડવાઈઝરી બોર્ડના ડો. સુધીર શાહ, ડો. કીર્તિ પટેલ, ડો. નીતા ઠક્કર, ડો. નિતીન લાલ, ડો. કમલ ગોસ્વામી અને ડો. કેતન ગોસાઈ સહિતના તબીબોની ટીમ કાર્યરત હતી.
- Advertisement -
દેશમાં 15 વર્ષથી વધુ ઉંમરની 51 કરોડ મહિલા આ જોખમ હેઠળ છે : ડૉ. દર્શનાબેન પંડયા
ડો. દર્શનાબેન પંડયાએ ચોંકાવનારી માહિતી આપતાં જણાવ્યું હતું કે, દર આઠ મિનિટે સર્વાઈકલ કેન્સરના કારણે એક સ્ત્રીનું મૃત્યુ થાય છે. ભારતીય મહિલાઓમાં થતા કેન્સરમાં સર્વાઈકલ કેન્સર બીજા નંબરે છે, જ્યારે વિશ્વસ્તરે તે ચોથા ક્રમે છે. ખાસ કરીને 30 વર્ષથી વધુ વયની મહિલાઓમાં આ કેન્સરનું જોખમ વધુ રહે છે. ભારતમાં 15 વર્ષથી વધુ ઉંમરની અંદાજે 51 કરોડ મહિલાઓ આ જોખમ હેઠળ હોવાનું અભ્યાસોમાં સામે આવ્યું છે. ગર્ભાશયના મુખની દિવાલના કોષોમાં અસામાન્ય વૃદ્ધિ થવાથી સર્વાઈકલ કેન્સર થાય છે અને સમયસર રસીકરણ તેમજ નિયમિત પેપ ટેસ્ટ દ્વારા આ ગંભીર બિમારીથી બચી શકાય છે. 25થી 65 વર્ષની વય જૂથની તમામ મહિલાઓએ નિયમિત પેપ ટેસ્ટ કરાવવો જોઈએ. ઉપરાંત જાતીય સંબંધ બાદ અસામાન્ય રક્તસ્ત્રાવ જેવી લક્ષણોને અવગણવા જોઈએ નહીં.



