માંડવીમાં શાસ્ત્રી જી.કે. સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ અંગે ભીખ શબ્દનો પ્રયોગ કરતા વિવાદ
ધારાસભ્ય અને સ્વામી વચ્ચે મંચ પર જ થયેલી આ ‘શાબ્દિક યુદ્ધ’નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
- Advertisement -
વિવાદ વકરતો જોઈ શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજની માફી માંગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માંડવીના સ્વામિનારાયણ મંદિરે ચાલી રહેલા ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન બ્રહ્મચોર્યાસીના ધાર્મિક મંચ પરથી થયેલા શબ્દપ્રયોગે હવે સામાજિક અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. શાસ્ત્રી જી.કે. સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરાયેલા ભીખ શબ્દપ્રયોગ બાદ મંચ પર હાજર પ્રદેશ ભાજપના મહામંત્રી તેમજ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ બ્રાહ્મણ કદી ભીખ માંગતો નથી, દાન સ્વીકારે છે એવો પ્રતિભાવ આપતા સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ધારાસભ્ય અને સ્વામી વચ્ચે મંચ પર જ થયેલી આ ‘શાબ્દિક ટક્કર’નો વિડિયો જોતજોતામાં વાયરલ થતાં મામલો માંડવી-કચ્છની સીમા ઓળંગી દેશ-વિદેશમાં વસતા બ્રહ્મ સમાજ સુધી પહોંચી ગયો. બ્રાહ્મણની અસ્મિતા, ધાર્મિક ગૌરવ અને સંતોની જવાબદારી મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું ઘમસાણ સર્જાયું છે. એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ સ્વામીના નિવેદનનું અલગ અર્થઘટન કરી બચાવ કરી રહ્યા છે, તો બીજી તરફ બ્રહ્મ સમાજના લોકો લાગણી દુભાઈ હોવાનો રોષ ઠાલવી રહ્યા છે. વિવાદ વકરતો જોઈ આખરે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ સોશિયલ મીડિયા મારફતે બ્રહ્મ સમાજની માફી માંગી યાચના કરી છે. સ્વામીએ જણાવ્યું કે, સંત તરીકે તેમનો આશય કોઈની લાગણી દુભાવવાનો નહોતો. છતાં લોકમુખે હવે એવી ચર્ચા છે કે નિશાન ચૂક માફ, પરંતુ નિશાનબાજ ખુદ નિશાન બની જાય તેવો ઘાટ સર્જાયો છે. આ સમગ્ર ઘટનાએ માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી ચર્ચા સીમિત ન રાખતાં જાહેર મંચ પરથી બોલાતા શબ્દોની જવાબદારી કેટલી ગંભીર હોય છે, તે મુદ્દો પણ છંછેડ્યો છે. સમાજના સ્વાભિમાન અને સંતોના શબ્દોના અર્થઘટનને લઈને હજુ પણ સોશિયલ મીડિયા પર ‘શબ્દોની સુડી વચ્ચે સોપારી’ જેવી સ્થિતિ યથાવત છે.



