આપણે કોઈ દુર્લભ પ્રાણીને તેના કુદરતી વસવાટમાં જીવંત જોવાની વાત કરીએ છીએ અથવા સમુદ્રના પ્લાસ્ટિક પ્રદૂષણનો મુદ્દો ઉઠે છે, ત્યારે દુનિયાભરના નિષ્ણાતો એક નામનો અચૂક ઉલ્લેખ કરે છે, સર ડેવિડ એટનબરો. 8 મે 2026ના રોજ પ્રકૃતિની વાત કરનારા આ મહાન બ્રોડકાસ્ટર, નેચરલ હિસ્ટોરિયન અને કન્ઝર્વેશનિસ્ટે જીવનની એક સદી પૂરી કરી. વર્ષ 1950ના દાયકાની શરૂઆતથી ચાલતી કારકિર્દીમાં તેમણે દસ્તાવેજી ફિલ્મો બનાવી અને તેના થકી માનવતાને કુદરતની નજીક લાવવા માટે અત્યંત મહત્ત્વનું કામ કર્યું. આજે 100 વર્ષની ઉંમરે પણ તેમનો જુસ્સો ઓછો નથી. તેઓ પૃથ્વીને બચાવવા માટેની લડાઈના સૌથી મોટા પ્રતીક બની રહ્યા છે.
ચાલો આજે તેમની જીવનયાત્રા, મહાન કાર્યો અને અમૂલ્ય વારસા વિશે વાત કરીએ.
- Advertisement -
પ્રારંભિક જીવન અને પ્રકૃતિ પ્રેમની શરૂઆત
ઈંગ્લેન્ડના આઈલવર્થમાં 8 મે 1926ના રોજ જન્મેલા ડેવિડ એટનબરોનો પ્રકૃતિ પ્રેમ બાળપણમાં અશ્મિ (Fossils) એકઠા કરવાથી શરૂ થયો હતો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નેચરલ સાયન્સનો અભ્યાસ કર્યો અને 1947માં સ્નાતક થયા. ટૂંકી નેવલ સર્વિસ બાદ તેઓ શૈક્ષણિક પ્રકાશનમાં કામ કરતા હતા. પ્રસારણ (Broadcasting) પ્રત્યેનું આકર્ષણ તેમને 1952માં બીબીસીમાં લઈ ગયું.
વન્ય જીવ આધારિત પ્રોગ્રામ્સ માટે આઉટ ઓફ બોક્સ વિચાર
- Advertisement -
વર્ષ 1950ના દાયકામાં વન્ય જીવન આધારિત કાર્યક્રમો સ્ટુડિયો પૂરતા મર્યાદિત હતા, જેમાં ફક્ત પ્રાણીઓના નમૂના બતાવાતા. એટનબરોએ આ કંટાળાજનક ફોર્મેટને અલવિદા કહી અને 1954માં શરૂ થયેલી શ્રેણી ‘ઝૂ ક્વેસ્ટ’ (Zoo Quest)એ પ્રથમ વખત સ્ટુડિયોની બહાર જંગલમાં જઈને ફિલ્માંકનને લાઈવ (જીવંત) પ્રસ્તુતિ સાથે જોડ્યું. તેઓ પોતે જોખમી અભિયાનોમાં જતા અને દુર્લભ પ્રાણીઓને લંડન ઝૂમાં લાવતા. આ તેમના માટે એક મોટું સાહસ હતું અને આ કારણસર તેઓ ઘરે ઘરે જાણીતા થઈ ગયા.
ઉચ્ચ હોદ્દો છોડી ફરી પ્રકૃતિને લગતા પ્રોગ્રામ બનાવવા લાગ્યા
એટનબરો માત્ર હોસ્ટ જ નહોતા, પરંતુ એક દૂરદ્રષ્ટા એક્ઝિક્યુટિવ પણ હતા. 1965થી 1969 દરમિયાન તેઓ બીબીસી ટુ (BBC Two)ના કન્ટ્રોલર હતા. તેમના નેતૃત્વ હેઠળ જ યુરોપમાં પહેલીવાર કલર ટેલિવિઝનની શરૂઆત થઈ. તેમણે ‘મોન્ટી પાયથોન ફ્લાઈંગ સર્કસ’ જેવી અનોખી કોમેડી શ્રેણીને પ્રોત્સાહન આપીને દર્શાવ્યું કે તેમની નજર માત્ર પ્રકૃતિ પૂરતી સીમિત નહોતી. 1970ના દાયકાના મધ્યમાં તેઓ બીબીસી ટુમાં ઉચ્ચ હોદ્દો છોડીને ફરી પ્રોગ્રામ બનાવવા લાગ્યા.
ઐતિહાસિક શ્રેણીઓ: લાઈફ, પ્લેનેટ અને બ્લુ પ્લેનેટ
વર્ષ 1979માં આવેલી ‘લાઈફ ઓન અર્થ’ (Life on Earth) ટેલિવિઝન ઇતિહાસનો સૌથી મોટો વન્યજીવન પ્રયોગ હતો. 13 ભાગોમાં રચાયેલી આ શ્રેણીમાં ઉત્ક્રાંતિના સિદ્ધાંત દર્શાવાયા છે. અંદાજે 50 કરોડ લોકોએ આ શ્રેણી જોઈ, જે તે સમયનો રેકોર્ડ હતો. એ પછી પણ તેમણે અનેક ઐતિહાસિક શ્રેણીઓ બનાવી. જેમ કે,
– ધ લિવિંગ પ્લેનેટ (1984) – ઈકો સિસ્ટમ પર.
– ધ ટ્રાયલ્સ ઓફ લાઈફ (1990) – પ્રાણી વર્તન પર.
– ધ બ્લુ પ્લેનેટ (2001) – સમુદ્રની અજાણી દુનિયા.
– પ્લેનેટ અર્થ (2006) – પ્રથમ HD શ્રેણી, જેણે પહાડોથી લઈને ઊંડી દરિયાઈ ખાઈઓ સુધીની સફર કરાવી.
– ફ્રોઝન પ્લેનેટ (2011) – આર્કટિક અને એન્ટાર્કટિકાના પ્રાણીઓના જીવન સંઘર્ષ દેખાડ્યો.
– પ્લેનેટ અર્થ II (2016) – અલ્ટ્રા-હાઈ-ડેફિનેશન (4K) ટેકનોલોજીમાં શૂટ કરાયેલી સિક્વલ.
– બ્લુ પ્લેનેટ II (2017) – સમુદ્રની ઊંડાઈના નવા રહસ્યો ખોલ્યા, દરિયાઈ પ્રદૂષણ દર્શાવ્યું.
– અવર પ્લેનેટ (2019) – જેમાં વૈશ્વિક વન્ય જીવનના અદભૂત દ્રશ્યોનું અવલોકન કરાયું છે.
91 વર્ષની ઉંમરે 1,000 ફૂટની સબમરીન-ડાઇવનો રેકોર્ડ
સર ડેવિડ એટનબરોએ 91 વર્ષની વયે ‘ગ્રેટ બેરિયર રીફ’ શ્રેણીના શૂટિંગ વખતે ‘ટ્રાઇટોન’ નામની સબમરીનમાં બેસીને સમુદ્રમાં 1,000 ફૂટ (300 મીટર)ની ઊંડાઈ સુધી ડાઇવ લગાવીને એક અનોખો વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. આટલી ઊંડાઈએ પહોંચનારા તેઓ સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ બન્યા હતા, જ્યાં તેમણે અત્યંત પરવાળાના દુર્લભ ખડકો અને દરિયાઈ જીવોનો અભ્યાસ કર્યો હતો. આ સાહસ ક્લાઈમેટ ચેન્જના કારણે જોખમમાં મુકાયેલા સમુદ્રી જીવતંત્ર તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો તેમનો મજબૂત પ્રયાસ હતો.
‘એટનબરો ઇફેક્ટ’: પ્રભાવશાળી અવાજની અનોખી તાકાત
ડેવિડ એટનબરોની સૌથી મોટી તાકાત તેમનો અવાજ છે, જે ધીમો, શાંત અને અત્યંત પ્રભાવશાળી છે. 21મી સદી આવતાં તેમનો સ્વર બદલાયો. તેમણે માત્ર નિષ્પક્ષ ઢબે પ્રકૃતિને ‘જોવા’ અને દર્શકોને ‘દેખાડવા’ને બદલે લોકોને પ્રકૃતિમાં થઈ રહેલા ફેરફારો અંગે ‘સાવધ કરવાનું’ શરૂ કર્યું. આ પરિવર્તનને કારણે ‘એટનબરો ઇફેક્ટ’ (Attenborough Effect) શબ્દનો જન્મ થયો.
એક પક્ષી તેના બચ્ચાને પ્લાસ્ટિકનો ટુકડો ખાતું હતું, અને…
વર્ષ 2017માં બ્લુ પ્લેનેટ IIના એક એપિસોડમાં એક અલ્બાટ્રોસ પક્ષી તેના બચ્ચાંને પ્લાસ્ટિકનો ટુકડો ખવડાવતું જોતા બતાવાયું હતું. આ દ્રશ્ય જોઈને દુનિયા હચમચી ઊઠી. ત્યારે એટનબરોએ સ્પષ્ટ કહ્યું કે ‘આપણે સમુદ્રને કચરાપેટી બનાવી દીધો છે.’ તેમના આ સંદેશની અસર એટલી ગહન હતી કે સમગ્ર વિશ્વમાં ‘ડુ ઈટ ફોર ડેવિડ’ (Do it for David) અભિયાન ચાલ્યું. એક સર્વે મુજબ, 78 ટકા લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તેમની જીવનશૈલી બદલી નાખી. યુકે સરકારે પ્લાસ્ટિકની થેલીઓ પર ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું અને આ નિર્ણય પણ તેમના કારણે જ લેવાયો.
ક્લાઈમેટ ચેન્જની ગંભીરતા દર્શાવતો સૌથી મજબૂત અવાજ
વર્ષ 2021માં ગ્લાસગોમાં યોજાયેલી COP26 સમિટમાં તેમણે વિશ્વના નેતાઓને સંબોધતા કહ્યું કે આપણે ‘પ્રકૃતિ સાથે ચોરી-છુપીની રમત રમવાનું બંધ કરવું જોઈએ.’ તેઓ કહેતા કે, ‘If you don’t believe in climate change, you don’t believe in facts.’ (હવામાન બદલાવને નકારવાનો અર્થ એ છે કે તમે સત્ય અને હકીકતોને નકારી રહ્યા છો.) આશાવાદી અભિગમ ધરાવતા ડેવિડ કહે છે કે ‘આપણી પાસે હજુ પણ (પર્યાવરણ બચાવી લેવાની) તક છે.’
4 કલાક અને 44 મિનિટમાં 10 લાખ ફોલોઅર્સ મેળવવાનો રેકોર્ડ
‘એટનબરો ઇફેક્ટ’નું વધુ એક ઉદાહરણ જોઈએ. વર્ષ 2020માં જ્યારે તેઓ ઇન્સ્ટાગ્રામ પર આવ્યા, ત્યારે તેમણે સૌથી ઝડપી 1 મિલિયન ફોલોઅર્સ મેળવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ સિદ્ધિ તેમણે માત્ર 4 કલાક 44 મિનિટમાં હાંસલ કરી હતી! આ મુદ્દો તેમની લોકપ્રિયતા અને ‘નવી પેઢી સાથેનું કનેક્શન’ દર્શાવે છે.
50થી વધુ પ્રાણી અને વનસ્પતિની પ્રજાતિ તેમજ અશ્મિઓને તેમનું નામ
ડેવિડ એટનબરોનો પ્રભાવ એટલો વ્યાપક છે કે, વિશ્વની 50થી વધુ પ્રાણી અને વનસ્પતિની પ્રજાતિ તેમજ અશ્મિઓના નામ તેમના નામ પરથી અપાયા છે. તેમાં પ્રાગૈતિહાસિક સમુદ્રી સરિસૃપ એટેનબોરોસોરસ (Attenborosaurus), એક પરોપજીવી ભમરી એટેનબોરોપ્સીસ (Attenboroughpsis) અને દુર્લભ પતંગિયા સુધીની વિવિધ પ્રજાતિા સામેલ છે. હાલમાં જ તેમના 100મા જન્મદિવસ નિમિત્તે વિજ્ઞાનીઓએ તેમના માનમાં એક નવી ભમરીનું નામ Attenboroughnculus tau રાખ્યું છે.
BAFTA એવોર્ડ મેળવવાનો પણ અનોખો રેકોર્ડ
એટનબરોની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓ એકમાત્ર એવી વ્યક્તિ છે જેમણે બ્લેક એન્ડ વ્હાઈટ, કલર, HD, 3D અને 4K – એમ પાંચેય ટેક્નોલોજી ફોર્મેટમાં BAFTA એવોર્ડ જીત્યા છે. આ અનોખો રેકોર્ડ એ વાતની સાબિતી છે કે બદલાતી પ્રસારણ ટેકનોલોજી સાથે કદમતાલ મેળવવામાં એટનબરો ખૂબ સફળ રહ્યા. તેમને વર્ષ 1985માં ‘નાઈટહૂડ’, 2022માં ‘સેન્ટ માઈકલ એન્ડ સેન્ટ જ્યોર્જ’નો બીજો ખિતાબ અને 2022માં સંયુક્ત રાષ્ટ્રો (UN)નો ‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’ એવોર્ડ મળી ચૂક્યો છે. આ ઉપરાંત દુનિયાની 32 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની માનદ ડિગ્રીઓ છે.
ભાઈ રિચર્ડે વિખ્યાત ફિલ્મ ‘ગાંધી’નું ડિરેક્શન કર્યું હતું
ડેવિડ એટનબરો તેમના પરિવારમાં એકલા પ્રતિભાશાળી નહોતા. તેમના મોટા ભાઈ રિચર્ડ એટનબરો પણ વિશ્વપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક હતા, જેમણે 1982માં રિલીઝ વિખ્યાત ફિલ્મ ‘ગાંધી’નું ડિરેક્શન કર્યું હતું.
100મા જન્મદિવસે લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ખાસ કાર્યક્રમ
ડેવિડ એટનબરોના 100મા જન્મ દિવસે લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ખાસ કાર્યક્રમો યોજાયા હતા. બીબીસીએ તેમના માનમાં વિશેષ દસ્તાવેજી ‘Making Life on Earth: Attenborough’s Greatest Adventure’ અને ‘David Attenborough’s 100 Years on Planet Earth’ રજૂ કરી. આ પ્રસંગે તેઓ થોડી શરમ અનુભવતા કહે છે, ‘હું આ બધા અભિનંદનથી ખૂબ જ અભિભૂત છું, પણ યાદ રાખો, આ શૉના સ્ટાર વિવિધ પ્રાણીઓ છે, હું નહીં’.
વૈજ્ઞાનિક ચોક્સાઈને કળા સાથે જોડી શકાય છે…
ડેવિડ એટનબરોનું જીવન પ્રેરણારૂપ છે. તેમણે સાબિત કરી દીધું કે વૈજ્ઞાનિક ચોકસાઈને કળા સાથે જોડી શકાય છે. સર ડેવિડ એટનબરો એક જ સંદેશ આપે છે કે, ‘The natural world is our biggest ally, and we must look after it.’ એટલે કે, કુદરત આપણું સૌથી મોટું સાથીદાર છે અને તેનું જતન કરવું એ આપણી ફરજ છે.




