સામાન્ય રીતે આપણે બધા સતત ચિંતિત અને ભયભીત દશામાં જીવીએ છીએ. ઉઠતાં-બેસતાં, હરતાં-ફરતાં, કામના સ્થળે જતાં આપણે સતત નાની-મોટી ચિંતામાં રહીએ છીએ. ઓફિસમાં હોઈએ ત્યારે ઘર વિશે ચિંતા, ઘરે હોઈએ ત્યારે ઓફિસના કામની ચિંતા, સ્ત્રીની ચિંતા, બાળકોની ચિંતા, અન્ય લોકોની ચિંતા, ઇન્કમની ચિંતા અને ઇન્કમટેક્ષની પણ ચિંતા, એવું કહી શકાય કે ભય અને ચિંતા એ મનુષ્યનો સ્થાયી ભાવ છે.
ચિંતા મુક્તિ અને નિર્ભયતા પ્રાપ્ત કરવા માટે શિવનું જ્ઞાન થવું જરૂરી છે. પરમ શિવ આપણા હૃદયમાં નિવાસ કરે છે. એક વખત તેનું જ્ઞાન થઈ જાય પછી ન તો કોઈ ભય વધે છે, ન કોઈ ચિંતા બચે છે.
- Advertisement -
મહારાષ્ટ્રના એક મહાન સંત કવિ કહી ગયા છે, “જેણે અંતરમાં પ્રવેશ કરીને હૃદયાકાશમાં વિરાજમાન પરમ શિવનું દર્શન કરી લીધું હોય તેને ભય ક્યાંથી હોય શકે?” ભયમુક્તિ અને ચિંતામુક્તિ પામવા માટે જ આપણે નામ સંકીર્તન કરીએ છીએ. મનુષ્ય ભલે ગમે તેટલો શ્રીમંત હોય અથવા સત્તાધીશ હોય, પરંતુ જો તેની પાછળ ભયનો અને ચિંતાનો સર્પ ફૂંફાડા મારતો હોય તો તે શ્રીમંત નથી, તે સત્તાધીશ નથી. જેણે આત્માનું દર્શન કર્યું છે અને પોતાના હૃદયમાં શિવનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જ ખરો ધીર પુરુષ કહેવાય, તે જ ખરો શિવભક્ત કહેવાય.



