તમારો એક મત, બનાવે દેશનું શ્રેષ્ઠ ભવિષ્ય
મતદાન એ જ મહાદાન
- Advertisement -
રાજકીય પક્ષો માટે આજે કતલની રાત છે પરંતુ મતદારો માટે કાલે કતલનો દિવસ છે. આવતીકાલે રવિવાર છે, સૂતાં રહીને અને વેબ સીરિઝ જોઈને જ રજા ઉજવવી છે? કે પછી વીસ-ત્રીસ મિનિટ કાઢીને મતદાન કરીને લોકશાહીને સેલીબ્રેટ કરવી છે?
આપણાંમાંથી ઘણાંબધાં લોકો વેળા આવ્યે મતદાન કરવા નીકળતાં નથી અને પાંચ વર્ષ સુધી જનપ્રતિનિધિઓને તથા રાજકીય પક્ષોને વગોવતા રહીએ છીએ, ભાંડતા રહીએ છીએ. આવતીકાલે અવસર છે. તમારા વિસ્તારમાં કોઈક તો સારો ઉમેદવાર હશે, સાવ ઓછો ખરાબ હોય તેવો તો હશે જ. કાલે તેને મત આપી આવજો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપણને સૌને રોજબરોજના જીવનમાં સ્પર્શતી ઘટના છે. છેવટે આપણી અપેક્ષાઓ શું હોય છે? આપણે કંઈ મૂકેશભાઈ કે ગૌતમભાઈની જેમ પોલિસીમાં ફેરફારની માંગ કરતાં નથી. નથી આપણે કોઈ મોટાં પ્લાન્ટ સ્થાપવા કે સરકારની ફેવરની આપણે જરૂર હોય. ભારતીય સામાન્યજનની અપેક્ષાઓ બહુ સામાન્ય હોય છે. પંચર ન પડે, ટાયર ન ફાટી જાય કે ઈ-4 અને ઈ-5 મણકા ખસી ન જાય તેવા રસ્તાઓ- જેની પર આઠ મહિનાની ગર્ભવતી મહિલા પણ એક્ટિવા પર નીકળી શકે. તરસ્યા ન રહીએ એટલું પાણી તો મળે જ છે પરંતુ આખો પરિવાર સાબુ ઘસી-ઘસીને સ્નાન કરી શકે, આંગણું ધોઈ શકે તેટલું પાણી. સ્વચ્છ જળ.
કોઈ મોટાં સપનાં નથી. આપણે ક્યારે કહ્યું કે, બસ સ્ટેન્ડ સેન્ટ્રલી એરકન્ડિશન્ડ હોવું જોઈએ! આપણે થોડું એવું બોલ્યાં છીએ કે આખા ગામનો
ખૂણે-ખૂણો એલ.ઈ.ડી. થકી ઝળાંહળાં હોવું જોઈએ! ના. અવિરત વીજ પુરવઠો મળતો રહે, અંધારપટ ન હોય એટલે ભયોભયો. સામાજિક સુરક્ષા હોય, આપણી મિલકતો પર કોઈ દબાણ ન કરી જાય. આવી બધી સમસ્યાઓ આવે ત્યારે કોઈ સાંભળનાર, હોંકારો દેનાર અને તેને ઉકેલનાર હોય. ન હું ઝાઝું માગું.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આવા જ ઉમેદવારોને ચૂંટવાનો અવસર છે. આપણો ઉમેદવાર, આપણાં પ્રતિનિધિ આપણાં વિસ્તારમાં પાંચ વર્ષ સુધી દેખાય છે કે નહીં એ મહત્ત્વપૂર્ણ નથી, એ આપણાં માટે હાથવગા છે કે નહીં એનું જ મહત્ત્વ છે. જ્યારે આપણાં વિસ્તારમાં કોઈ ઈશ્યૂ હોય ત્યારે એ સૂલઝાવી આપે છે કે નહીં, સમસ્યાનું સમાધાન કરવામાં કેટલો સમય લે છે, તેનો પ્રતિભાવ-પ્રતિસાદ કેવો છે એ મુદ્દાઓનો જ મહિમા છે.
ચૂંટણીઓને ભારતમાં લોકશાહીનું મહાપર્વ કહેવાય છે. અનેક ખામીઓ અને ખોડખાંપણ હોવા છતાં આપણી ડેમોક્રસી ઘણાં અંશે સફળ છે. બધું ક્ષતિરહિત નથી પરંતુ એ વેન્ટિલેટર પર પણ નથી. તેને ઘણાં ઉપચારની જરૂર છે. પરંતુ સ્થિતિ સ્ટેબલ નથી. ઝડપભેર સુધારો થઈ રહ્યો છે. મતદાર જાગૃત થઈ રહ્યો છે. પશ્ર્ચિમ બંગાળનું બમ્પર મતદાન એ વાતનું ઉદાહરણ છે. સામાજિક દૃષ્ટિએ પશ્ર્ચિમ બંગાળ ગુજરાત કરતાં પછાત છે. તેમ છતાં ઓલમોસ્ટ દરેક મતદાર મતદાન કરવા નીકળ્યો છે. ગુજરાતે દરેક દૃષ્ટિએ વેસ્ટ બેન્ગાલને પાછળ છોડ્યું છે. અર્થતંત્રથી લઈને ઈન્ફ્રાસ્ટ્રકચર અને લૉ એન્ડ ઑર્ડર સુધીની તમામ બાબતોમાં ગુજરાત આગળ છે. પરંતુ શું લોકશાહીને પોંખવામાં આપણે શૂરા છીએ? બિલકુલ નહીં. ચાલીસ-પચાસ કે પંચાવન ટકા જેવું મતદાન થાય તો એ આપણાં અધૂરાં ગણતરની નિશાની છે. લગભગ દર વખતે ટકાવારી આવી જ હોય છે. જે લોકશાહીમાં આપણે શ્ર્વસીએ છીએ તેનાં પ્રત્યે આટલી ઉદાસીનતા એ આપણાં બીમાર માનસનું પ્રતિબિંબ છે.
ગુજરાતીઓ પર માત્ર મની માઈન્ડેડ હોવાનું મ્હેણું છે. આ આક્ષેપ સાદર નકારવાનો આ ઉત્સવ છે. ગુજરાતનાં જે મતદારો જાગૃત છે તેમણે આજ સુધીમાં અનેક વખત મેચ્યોરિટી દાખવી છે. પરંતુ જે જાગૃત નથી, ભરઊંઘમાં છે, બેશુદ્ધ જેવી અવસ્થામાં છે- તેમને ઢંઢોળવાનો કાલે તહેવાર છે. બંગાળનો રેકોર્ડ તોડીને ચાલો આપણી જાગૃતિનું પ્રમાણ આપીએ.



