ભારતમાં LPGની સતત વધતી જતી માંગ વચ્ચે એક મોટો પડકાર સામે આવ્યો છે. દેશમાં એલપીજીના ઉત્પાદનમાં ગમે તેટલો વધારો કરવામાં આવે તેમ છતાં ભારતની આયાત પરની નિર્ભરતા યથાવત રહેશે તેવું જણાઈ રહ્યું છે. એક અંદાજ મુજબ, જો ઘરેલું ઉત્પાદનમાં 50% જેટલો મોટો વધારો થાય, તો પણ ભારતને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે દર મહિને આશરે 29થી 34 જેટલા એલપીજી ટેન્કર વિદેશથી મંગાવવા પડશે. સરકારના આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2027 સુધીમાં દેશમાં ગેસની માંગ દર મહિને 2.9 મિલિયન ટન સુધી પહોંચી શકે છે, જેની સામે ઉત્પાદન વધવા છતાં પણ મોટી ઘટ રહેવાની શક્યતા છે.
LPGના વપરાશમાં છેલ્લા 20 વર્ષમાં થયો મોટો ઉછાળો
- Advertisement -
છેલ્લા બે દાયકાના આંકડાઓ પર નજર કરીએ તો ભારતમાં એલપીજીના વપરાશમાં અધધ વધારો થયો છે. વર્ષ 1998-99માં જ્યાં દર મહિને માત્ર 5.35 લાખ ટન ગેસ વપરાતો હતો, ત્યાં હવે તે વધીને 3.13 મિલિયન ટનથી વધુ થઈ ગયો છે. આ ઉછાળા પાછળ ‘પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના’ જેવી સરકારી યોજનાઓ અને ઘરે-ઘરે ગેસ જોડાણ પહોંચાડવાના પ્રયાસો મુખ્ય કારણ છે. જોકે, જે ઝડપે વપરાશ વધ્યો છે તેટલી ઝડપે સ્થાનિક ઉત્પાદન વધી શક્યું નથી, જેના કારણે આયાત પરનો બોજ વધતો જઈ રહ્યો છે.
પશ્ચિમ એશિયાના દેશો પર નિર્ભરતા
વર્તમાન સ્થિતિમાં ભારત તેના એલપીજી પુરવઠા માટે મુખ્યત્વે યુએઈ, કતાર, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા પશ્ચિમ એશિયાના દેશો પર નિર્ભર છે. આ નિર્ભરતાને કારણે ભૌગોલિક-રાજકીય(Geo-political) જોખમો પણ વધી જાય છે. જો આ દેશોમાં કોઈ અસ્થિરતા સર્જાય તો ભારતની સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. આ જોખમને ઓછું કરવા માટે હવે ભારત અમેરિકા, કેનેડા અને અલ્જેરિયા જેવા અન્ય દેશો પાસેથી પણ ગેસ મેળવવાના વિકલ્પો વિચારી રહ્યું છે, જેથી દેશમાં એલપીજીનો પુરવઠો સુરક્ષિત અને સ્થિર જળવાઈ રહે.




