ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની મધ્યસ્થીથી ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક સફળ; 34 વર્ષ બાદ ખેડૂતોને મળશે હકનું વળતર
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા-2 ગામે પી.એસ.એલ (ઙજક) હોલ્ડિંગ કંપની સામે ચાલતા ખેડૂતોના લાંબા સમયના આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કંપનીના અધિકારીઓ અને ખેડૂત આગેવાનો વચ્ચે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં ખેડૂતોને વિઘા દીઠ ₹2.51 લાખનું વળતર આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
ઘટનાની વિગત મુજબ, ઙજક કંપનીએ વર્ષ 1992માં રામપરા ગામના ખેડૂતો પાસેથી રોજગારી અને ઉદ્યોગ સ્થાપવાની શરતે જમીનો ખરીદી હતી.
જોકે, દાયકાઓ વીતી જવા છતાં કોઈ ઉદ્યોગ ન સ્થપાતા અને વચનો પૂર્ણ ન થતા ખેડૂતોએ વિશ્વાસઘાતનો આક્ષેપ કરી ગત 19 ફેબ્રુઆરીથી આંદોલન છેડ્યું હતું. ખેડૂતોએ મામલતદારને આવેદન આપી યોગ્ય વળતરની માંગ કરી હતી અને માંગણી ન સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપી હતી.
આ વિવાદ વધુ વકરે તે પૂર્વે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મધ્યસ્થી કરી ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
જેમાં કંપની દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવતા રામપરાના સરપંચ સનાભાઇ વાઘ, બાબુભાઈ રામ અને જીગ્નેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ નિર્ણયથી વર્ષોથી અન્યાય વેઠી રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.



